અમરેલી પંથકમાં હવે વન્ય પ્રાણીઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેમાં થોડા દિવસો પહેલા બગસરા પંથકમાં એક ડાલામથ્થાએ પાંચ વર્ષીય બાળકીને ફાડી ખાધાની ઘટના તાજી છે ત્યારે સાજીયાવદર ગામે ચાર દીપડાનો વસવાટ હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ છે. અમરેલી પંથકમાં હવે વન્ય પ્રાણીઓ ગીર વિસ્તાર છોડી રેવન્યૂ વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાનુ સામે આવ્યુ છે. વન્યપ્રાણીઓ છાશવારે શિકારની શોધમાં ગામમાં ઘુસી આવતા હોવાથી પાલતુ પશુઓનો શિકાર કરે છે તો કયારેક માનવીઓ પર પણ હુમલો થતાની હોવાની ઘટનાઓ બનવા પામી છે. આવા સમય અમરેલીની નજીક આવેલા સાજીયાવદર ગામે ચાર દીપડાઓએ ધામા નાખ્યા હોવાનું સામે આવ્યુ છે. ખેત વિસ્તારમાંથી ઉનાળુ પાકની સિઝન પુરી થઈ ગઈ હોવાથી ખેતરો ખાલીખમ્મ પડયા છે ત્યારે દીપડાઓએ બંધ મકાનોમાં આશરો બનાવ્યો છે. જેથી આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવતા એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ આંશિક રાહત થઈ છે. જા કે હજુપણ ત્રણ દીપડાઓ હોવાથી રાત્રીના સમયે ખેતરે જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે ત્યારે આ દીપડાઓને પણ પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.