‘‘સત્ય ક્યારેય સાબિત કરવાની ઉતાવળ કરતું નથી, કારણ કે તેને ખબર હોય છે કે સમય પોતે જ તેનો સૌથી મોટો સાક્ષી છે.’’
જીવનમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન જો કોઈ હોય તો તે છે-સાચું શું અને ખોટું શું? બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે સાચું બોલવું, સાચું કરવું અને સાચા માર્ગે ચાલવું જોઈએ. પરંતુ જેમ જેમ જીવન આગળ વધે છે તેમ સમજાય છે કે સાચું અને ખોટું ઓળખવું એટલું સહેલું નથી.
ઘણી વખત ખોટું સત્યના વસ્ત્રો પહેરીને આવે છે અને સાચું સંઘર્ષના વસ્ત્રોમાં. ખોટું તરત જ લાભ અપાવે છે, જ્યારે સાચું ધીરજની માંગ કરે છે. એટલા માટે ઘણા લોકો રસ્તો નહીં, પરિણામ જુએ છે. પરંતુ જીવનનું સૌંદર્ય પરિણામમાં નહીં, માર્ગમાં છુપાયેલું છે. આજના સમયમાં ઘણા લોકો સફળતાને જ સાચું માને છે. પૈસા હોય, પદ હોય, પ્રસિધ્ધિ હોય તો માણસ સફળ ગણાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ બધું મેળવવા માટે ખોટાનો સહારો લેવાયો હોય તો શું એ સફળતા સાચી કહેવાય? ઇતિહાસમાં અનેક એવા લોકો થયા છે જેમણે સત્ય માટે બધું ગુમાવ્યું, પરંતુ પોતાનું ચારીત્ય બચાવ્યું. બીજી તરફ ઘણા એવા પણ થયા જેમણે ખોટાના આધારે સામ્રાજ્ય ઊભું કર્યું, પરંતુ સમયની ધૂળમાં વિસરાઈ ગયા. સમય હંમેશા સત્યનો સાથી રહ્યો છે.એક વખત એક રાજાએ પોતાના દરબારીઓને એક પ્રશ્ન પૂછ્યોઃ ‘‘જો તમને કોઈ ન જુએ અને કરોડો રૂપિયાનો ખજાનો મળી જાય તો તમે શું કરશો?’’ ઘણા લોકોએ અલગ-અલગ જવાબ આપ્યા. એક વૃધ્ધ વિદ્વાને કહ્યું;મહારાજ ‘‘દુનિયા ન જુએ તો ચાલે, પરંતુ મારો અંતરાત્મા તો મને જોઈ રહયો છે.’’ રાજાએ તરત જ કહ્યું, ‘‘જે માણસ પોતાના અંતરાત્માથી ડરે છે, તેને દુનિયાના કોઈ કાયદા થી ડરાવવાની જરૂર નથી.’’
આજના સમયમાં સફળતાનું માપદંડ ઘણીવાર પૈસા, પદ અને પ્રસિધ્ધિ બની ગયું છે. પરંતુ જો આ બધું ખોટાના પાયા પર ઊભું હોય તો તે રેતી પર બાંધેલા મહેલ જેવું છે. એક દિવસ તે તૂટી જ જવાનું છે. એક શિક્ષક દર વર્ષે પોતાના વિદ્યાર્થીઓને એક જ વાત કહેતાઃ’’ પરીક્ષામાં નકલ કરીને મેળવેલા ગુણ કદાચ માર્કશીટમાં દેખાશે, પરંતુ જીવનની પરીક્ષામાં તે ક્યારેય કામ નહીં આવે.’’ વર્ષો પછી તેમના વિદ્યાર્થીઓ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળ થયા. તેઓ કહેતા કે શિક્ષકે અમને ભણાવેલા વિષયો કરતાં સચ્ચાઈનું મૂલ્ય વધારે શીખવ્યું.
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે સાચું મોટું કે ખોટું? પરંતુ હકીકતમાં સૌથી મોટું ચારિત્ર્ય છે. કારણ કે ચારિત્ર્ય હોય તો માણસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાચા માર્ગ પરથી ભટકતો નથી. મહાત્મા ગાંધીનું જીવન તેનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમની પાસે ન સૈન્ય હતું, ન સંપત્તિ, ન સત્તા. છતાં તેઓ આખા વિશ્વમાં પૂજાય છે, કારણ કે તેમની સૌથી મોટી તાકાત સત્ય અને ચારિત્ર્ય હતી.
જીવનમાં બે પ્રકારના લોકો મળે છે. એક એવા કે જેઓ સાચું બોલે છે કારણ કે તેમને ડર છે. બીજા એવા કે જેઓ સાચું બોલે છે કારણ કે તે તેમનો સ્વભાવ છે. પહેલો માણસ પરિસ્થિતિ બદલાય ત્યારે બદલાઈ જાય છે, જ્યારે બીજો માણસ સમય બદલાય તો પણ બદલાતો નથી.
જ્યારે પણ કોઈ નિર્ણય લેવો હોય ત્યારે ત્રણ પ્રશ્ન પોતાને પૂછવા જોઈએઃ શું આ કામથી કોઈનું અહિત તો નથી થતું? શું
આ નિર્ણય પછી હું નિરાંતે ઊંઘી શકીશ? જો મારા સંતાન મારા આ કાર્યનું અનુસરણ કરે તો મને ગર્વ થશે? જો ત્રણેય
પ્રશ્નોના જવાબ ‘‘હા’’ હોય તો સમજવું કે રસ્તો સાચો છે.
સાચું બોલવાથી ક્યારેક સંબંધો તૂટે, નોકરી જાય, નુકસાન થાય કે એકલતા મળે. પરંતુ ખોટું બોલવાથી માણસ પોતાના જ આત્મસન્માનથી દૂર થઈ જાય છે. દુનિયાની સામે જીતનાર પણ જો પોતાની નજરમાં હારી જાય તો એ જીતનો કોઈ અર્થ રહેતો નથી. સાચું હંમેશા બહુમતીમાં હોય એવું નથી. ઘણી વખત આખી દુનિયા એક તરફ હોય અને સત્ય એકલું ઊભું હોય. પરંતુ સત્યને ભીડની જરૂર પડતી નથી. સૂર્યને પ્રકાશ માટે દીવાની જરૂર નથી પડતી.આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચું અને ખોટું નક્કી કરનાર સૌથી મોટો ન્યાયાધીશ આપણો અંતરાત્મા છે. જીવનમાં કમાણી કરતાં કમાયેલો વિશ્વાસ મોટો છે. હોશિયારી કરતાં પ્રામાણિકતા મોટી છે. જીત કરતાં યોગ્ય રીતે જીતવું મોટું છે. અને એ જ કારણ છે કે સાચું અને ખોટું વચ્ચે સૌથી મોટું સ્થાન ચારીત્યનું છે.
અંતે સમય જતા લોકો એ યાદ રાખતા નથી કે આપણે કેટલા ધનિક હતા. લોકો એ યાદ રાખે છે કે આપણે કેટલા સાચા હતા. પૈસા વારસામાં મળી શકે છે, પરંતુ વિશ્વાસ અને ચારિત્ર્ય તો જીવનભરની કમાણી છે. સંપત્તિથી મોટું સત્ય છે, અને સત્યથી પણ મોટું છે તેને જીવવાનું સાહસ.
સાચું અને ખોટું એ બે રસ્તા છે. ખોટાનો રસ્તો ટૂંકો છે, પરંતુ અંત અંધકારમય છે. સાચાનો રસ્તો લાંબો છે, પરંતુ અંતે પ્રકાશ જ પ્રકાશ છે. આથી, પ્રશ્ન એ નથી કે સાચું શું અને ખોટું
આભાર – નિહારીકા રવિયા શું? પ્રશ્ન એ છે કે જ્યારે બંને રસ્તા સામે હોય ત્યારે આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ? કારણ કે એ જ પસંદગી આપણું ભવિષ્ય અને આપણું વ્યક્તિત્વ ઘડે છે.

‘‘સત્યને સાથી બનાવો, સમય તમારો સાથી બની જશે. ખોટાથી મેળવેલી જીત ક્ષણિક હોય છે, સત્યથી મેળવેલું માન જીવનભર ટકે છે. દુનિયાની નજરમાં નહીં, પોતાના અંતરાત્માની નજરમાં મોટા બનો; કારણ કે એ જ જીવનની સૌથી મોટી જીત છે.’’