પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન, પીએમ મોદીનું વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે. આ પ્રસંગે સાઉદી અરેબિયાએ એક ખાસ હાવભાવ દર્શાવ્યો છે. જ્યારે પીએમ મોદીનું વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યું ત્યારે સાઉદી અરેબિયન વાયુસેનાએ તેમના વિમાનને ખાસ સુરક્ષા પૂરી પાડી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સાઉદી અરેબિયન એરફોર્સના વિમાનો (રોયલ સાઉદી એરફોર્સના એફ ૧૫) પણ પીએમ મોદીના વિમાન સાથે ઉડતા જાવા મળે છે.
છેલ્લા દાયકામાં પીએમ મોદીની આ ત્રીજી સાઉદી અરેબિયા મુલાકાત હશે. તે જ સમયે, પીએમ મોદી પહેલી વાર ઐતિહાસિક શહેર જેદ્દાહની મુલાકાત લેશે. “ભારત-સાઉદી ઉચ્ચ સ્તરીય રોકાણ કાર્ય દળની બેઠક ૨૧ એપ્રિલના રોજ રિયાધમાં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના ૨૪ કલાક પહેલા વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રોમાં વધારાના કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવ્યા હતા,” સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર મોદી મંગળવારે સાઉદી અરેબિયા પહોંચવાના છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન ભારતીય યાત્રાળુઓ માટે હજ ક્વોટામાં વધારો થવાની શક્યતા છે. બંને દેશોના નેતાઓ આ મુદ્દા પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઓછામાં ઓછા છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, બંને દેશો વચ્ચે અવકાશ, ઊર્જા, આરોગ્ય, વિજ્ઞાન અને સંશોધન, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં એમઓયુ ઔપચારિક થવાની અપેક્ષા છે.
સાઉદી અરેબિયા જતા પહેલા પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લઈશ. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના ઐતિહાસિક સંબંધોને મહત્વ આપે છે. છેલ્લા દાયકામાં દ્વિપક્ષીય સંબંધોએ નોંધપાત્ર ગતિ મેળવી છે. હું વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવા માટે આતુર છું. હું ત્યાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ.”