મેક્સવેલ બાદ વિશ્વના સૌથી આક્રમક બેટિંગ માટે જાણીતા વધુ એક સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હેનરિક ક્લાસેન પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માગતો હોવાથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. વ્હાઈટ બાલ ક્રિકેટમાં ક્લાસેન સૌથી આક્રમક બેટર ગણાય છે. ઓસ્ટ્રેલિયાના ધુઆંધાર ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ આજે વન ડે મેચમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
હેન્રી ક્લાસેને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ક્લાસેને લખ્યું હતું કે, આ મારા માટે દુઃખદ દિવસ છે. મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મેં આ નિર્ણય લેવામાં ખૂબ સમય લીધો છે, મને લાગ્યું કે, મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે આ જ નિર્ણય યોગ્ય છે. આ અત્યંત મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ હું તેની સાથે સંતુષ્ટ છું. ક્લાસેન હવે માત્ર ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં જ રમતો જોવા મળશે. હાલ ક્લાસેન આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમતો જોવા મળ્યો હતો.
હેનરિકની અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય વર્લ્ડ ક્રિકેટ માટે મોટા ઝાટકા સમાન છે. તેણે પોતાના ટેસ્ટ કેરિયરમાં માત્ર ચાર મેચ રમી કુલ ૧૦૪ રન જ બનાવ્યા છે, પરંતુ વનડેમાં તેણે ૬૦ મેચમાં કુલ ૨૧૪૧ રન ફટકાર્યા છે. હેનરિક ચાર સદી અને ૧૧ અર્ધસદીનો રેકોર્ડ ધરાવે છે. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ક્લાસેને ૫૮ મેચમાં ૧૦૦૦ રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી ફટકારી હતી.
૨૦૨૫માં વિશ્વના દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસ લીધો
વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી
રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી
સ્મિથે વનડેમાંથી નિવૃત્તિ લીધી
મેક્સવેલે વનડેજમાંથી નિવૃત્તિ લીધી
ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લિધી