સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યના ચાર મહાનગરો-અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ૧૨ મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજાને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ૧૬ મે ૨૦૨૫ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના ૬ સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ૈંઝ્રૈંઝ્રૈં બેંક ખાતું હેક કરી, રૂ. ૪૮.૮૫ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં ૬ દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા. આ ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર ૨૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
૧૪ મે ૨૦૨૫ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. ૧૪.૯૪ લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી. તે ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. ૩૩, અમદાવાદ) સાયબર ફ્રોડ અને છેતરપિંડીના ૭ ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજા અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
૨/૦૫/૨૦૨૫ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. ૩૫, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે પીઓએસ મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. ૪ મોબાઇલ, ૫ ડેબિટ કાર્ડ, ૧૨ સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત ૦૭/૦૫/૨૦૨૫ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. ૯,૩૦,૭૦૦ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. ૨૮, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
૧૫/૦૫/૨૦૨૫ના રોજ વિમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. ૯૮,૮૫,૦૦૦ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં ૧૬/૦૫/૨૦૨૫ના રોજ ૯૦ વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. ૧,૧૫,૫૦,૦૦૦ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. ૨૨, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે સીબીઆઇ ઇડીની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે ૧૬/૦૫/૨૦૨૫ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. ૨૨,૦૦,૪૦૦ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. ૨૧, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. સીબીઆઇ અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.