મહેસાણા જિલ્લા સંકલન સમિતિની મળેલ બેઠકમાં ભાજપના જ ધારાસભ્યે, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ભાજપના સાંસદ, ધારાસભ્યો, પંચાયત પ્રમુખ સહીતનાની સૌની હાજરીમાં કોઈ સાંભળતુ ના હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનનું કામ મુદ્દે રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે ધારાસભ્યએ કહ્યું હોવા છતા અધિકારીઓ કામ કરતા નથી તેવી રાવ રજૂ કરાઈ હતી.

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં, ભાજપના ધારાસભ્યે કરેલી જાહેર ફરિયાદને કલેકટરે ગંભીરતાથી લઈને બેઠકમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને તાકીદ કરી હતી કે, જનપ્રતિનિધિઓના દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવુ. આવા મુદ્દા કે પ્રશ્નનો ઉકેલ નિયત સમય મર્યાદામાં લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં, નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારી નાણાંની વસૂલાત, બાકી ઓડીટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસો અંગે ચર્ચા- છણાવટ, વિચારણા હાથ ધરાઈ હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા લોકસભાના સાંસદ, પાટણ લોકસભાના સાંસદ, મહેસાણા જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.