તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક પાર્ટી દરમિયાન પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ ટીમ પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જાકે, પોલીસે હાજર રહેલા તમામ લોકોની અટકાયત કરી છે.ટીડીપી સાંસદ પણ પાર્ટીમાં હાજર હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત અનેક અન્ય અગ્રણી વ્યક્તિઓ પણ હાજર હતા. પોલીસને માદક દ્રવ્યોનો પાવડર પણ મળ્યો. વધુમાં, સાંસદનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. પોલીસ કહે છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
ચેવેલા વિસ્તારના ડીસીપી યોગેશ ગૌતમે જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે ફાર્મહાઉસમાં પરવાનગી વિના પાર્ટી યોજાઈ રહી છે. પોલીસે રાત્રે ૯ઃ૩૦ વાગ્યે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા પછી, દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ નમિત શર્માએ બંદૂકમાંથી ગોળીબાર કર્યો. બંદૂક રોહિત રેડ્ડીના નાના ભાઈ રિતેશ રેડ્ડીની હતી અને તેનું લાઇસન્સ માન્ય હતું; જાકે, નમિત શર્માએ ગોળીબાર કર્યો. પોલીસને પાર્ટીમાં બે ગ્રામ સફેદ પાવડર (માદક દ્રવ્ય) પણ મળ્યો. પાર્ટીમાં જનપ્રતિનિધિઓ, રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિઓ અને અન્ય ઉદ્યોગપતિઓ હાજર હતા.”
ડીસીપી યોગેશ ગૌતમે જણાવ્યું હતું કે, “ઉપસ્થિત લોકોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડી, ટીડીપીના એલુરુ સાંસદ પુટ્ટા મહેશ કુમાર, રિતેશ રેડ્ડી, નમિત મિશ્રા, એમ. રમેશ, શ્રવણ કુમાર, વિજય કૃષ્ણ, રવિ અને અર્જુન રેડ્ડીનો સમાવેશ થાય છે. વધુ તપાસ માટે તે બધાના વધારાના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સંપૂર્ણ રિપોર્ટ મળ્યા પછી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
ઈગલ ફોર્સના એસપી આર. ગિરધરએ જણાવ્યું હતું કે, “અમે એક ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો, જ્યાં અમને ખબર પડી કે એક વ્યક્તિ હથિયારનો ઉપયોગ કરી રહ્યો છે. ફાર્મહાઉસમાં પ્રવેશતા જ, અમારા અધિકારીઓએ કેટલાક અવાજા સાંભળ્યા. તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને પિસ્તોલ લઈને જઈ રહેલા એક વ્યક્તિને પકડી લીધો. બીજા એક વ્યક્તિ પાસે કેટલાક ખાલી કારતૂસ પણ હતા. અધિકારીઓએ તાત્કાલિક બધા ૧૧ લોકોની અટકાયત કરી. તેમનું ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, અને તેમાંથી પાંચનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.”
ઈગલ ફોર્સ એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે બધી પ્રક્રિયાગત પ્રવૃત્તિઓ પૂર્ણ કરી. તેમને બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાંચ લોકો ઉપરાંત, એક વધુ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આમ, કુલ છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અમે તેમને સ્થાનિક પોલીસને સોંપ્યા; તેઓ આગળની કાર્યવાહી કરશે. ટેસ્ટ દરમિયાન, અમને માહિતી મળી અને જાણવા મળ્યું કે એક વ્યક્તિ ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને બીજા વર્તમાન સાંસદ છે. પુટ્ટા મહેશ (હાલના ટીડીપી સાંસદ)નો બ્લડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે તેમને કોર્ટમાં રજૂ કરીશું.”