કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ટોલ ટેક્સને લઈ મહત્વના જવાબ આપ્યા હતા. નીતિન ગડકરીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય જનતા મોંઘા ટોલથી હેરાન થઈ રહી છે પરંતુ સાંસદો અને ધારાસભ્યો ટોલ શા માટે નથી આપતા?
આ સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર દ્વારા માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપેલી છે પરંતુ સૌને છૂટ આપવાનું શક્ય નથી. જા સારા રસ્તા પર જવું હશે તો પૈસા આપવા પડશે.’
વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, પહેલા લોકો ટ્રાફિકમાં ફસાતા હતા, પેટ્રોલ અને ડીઝલ પર પૈસા બરબાદ થતા હતા. હવે સારા રોડ બનવાથી પૈસા બચી રહ્યા છે તો તેના બદલામાં ટોલ આપવામાં શું વાંધો છે. સરકારે રોડ બનાવવા માટે ઉધાર પૈસા લીધા છે જે તેમણે ચુકવવાના છે અને વ્યાજ આપવાનું છે માટે ટોલ લાગુ કરવો પડે છે.હવે સરકાર દેશના નાના-નાના લોકોના પૈસા વડે રસ્તા બનાવશે.
ઈન્ફ્રા બોન્ડ અંગે ચર્ચા કરતાં ગડકરીએ કહ્યું કે, તમે બેંકમાં પૈસા રાખો છો તો કેટલું વ્યાજ મળે છે, જા તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશે. દિલ્હી-મુંબઈ હાઈવે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે તો તેના માટે લોકો પાસેથી બોન્ડ સ્વરૂપે પૈસા લેવામાં આવશે.