૧૧ ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવા બદલ અધ્યક્ષ વેંકૈયા નાયડુ દ્વારા ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન રદ કરવા માટે વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો.તૃણમૂલ કોંગ્રેસનાં સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભા સાંસદો ડોલા સેન અને શાંતા ચેત્રી સિવાય, અન્ય તમામ સસ્પેન્ડેડ સાંસદો બુધવારે સંસદ પરિસરમાં તેમના સસ્પેન્શનનાં વિરોધમાં ધરણા પર બેઠા હતા.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર સત્ર દરમિયાન બન્ને સાંસદો દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ધરણા પર બેસશે. આ પ્રદર્શન સોમવારથી શુક્રવાર સુધી ચાલશે.આ ધરણા પ્રદર્શન દરમિયાન અન્ય સસ્પેન્ડેડ સાંસદો પણ પહોંચ્યા હતાં ટીએમસી સાંસદ ડોલા સેને કહ્યું, “સાંસદોનું સસ્પેન્શન તેમના ઘમંડ દર્શાવે છે જે બહુમતીમાં છે. જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તે લોકો સંસદની કાર્યવાહીમાં પણ અવરોધ ઉભો કરતા હતા. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે.”

આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા સાંસદોને સમર્થન આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય ઘણા નેતાઓ પણ જાવા મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું, “અમે માંગ કરીએ છીએ કે રાજ્યસભાનાં તમામ ૧૨ સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે. અમે બેઠક યોજીને ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું.

આ અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકારે સમજવું જાઈએ કે દેશનાં અન્ય લોકોનો પણ અવાજ સાંભળવો પડશે. સંસદ ચર્ચા માટે છે. તમારે લોકોને તેમના પોતાના મંતવ્યો રાખવાની મંજૂરી આપવી પડશે. આ રીતે જ હવે લોકશાહી સંસદ ચાલી શકે છે.

એ યાદ રહે કે ૧૨ સાંસદોને ઓગસ્ટ મહિનામાં ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા  હતા. આ તમામ સાંસદો પર રાજ્યસભામાં ભારે હંગામો મચાવવા અને માર્શલો સાથે મારપીટ કરવાનો આરોપ હતો. આ સત્રમાં વીમા બિલ પર ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. સાંસદોએ કાગળો ફાડી નાખ્યા હતા, મારામારી થઈ હતી. હંગામો એટલો વધી ગયો હતો કે માર્શલને પણ બોલાવવા પડ્યા હતા.