વડિયા, તા.૩૧
ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યભરના જળાશયો છલકાઈ રહ્યા છે. આ વચ્ચે, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની સરહદે આવેલો સાંકરોળી ડેમ પણ આ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્‌લો થયો છે. ભેસાણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે સાંકરોળી નદીમાં ઘોડાપૂર આવતા ડેમ છલકાયો છે. આ ડેમ વડિયાના હનુમાન ખીજડીયા, જેતપુરના ચારણ સમઢીયાળા, ભેસાણના સાંકરોડા સહિતના ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ પોતાના મતવિસ્તાર હનુમાન ખીજડીયા નજીક આવેલા આ ડેમની મુલાકાત લીધી હતી. તેમની સાથે કાર્યકરો અને હોદ્દેદારોનો કાફલો પણ જોડાયો હતો. વેકરીયાએ ઓવરફ્‌લો થયેલા ડેમમાં શ્રીફળ, કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરી નવા નીરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પરષોત્તમ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત સદસ્ય જયસુખ ભુવા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમર, છગન ઢોલરીયા, તુષાર ગણાત્રા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.