ઈડરમાં ૨૧ વર્ષિય કોલેજીયન યુવતીએ સહવિદ્યાર્થિઓ દ્વારા હેરાનગતીને કારણે એસિડ પીને જીવન ટુંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના આક્ષેપો અનુસાર આ યુવતીને કોલેજ આવતા જતા સમયે વિદ્યાર્થીઓ અશ્લીલ હરકતો કરી પરેશાન કરતા હતા. જે બાબતે કોલેજ મેનેજમેન્ટને જાણ કરતા તેઓએ પણ આ બાબતને ગંભીરતાથી ન લીધી જેને કારણે આ વિદ્યાર્થિનીએ આવુ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે આ બાબતે ફરિયાદ મળતા, જાદર પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઈડરના ઓડા ગામે ન‹સગ કોલેજની ત્રીજા વર્ષની કરતી વિદ્યાર્થીની ૨૧ વર્ષીય હેતલ સુતરીયાએ ગઈ તારીખ ૭ ઓગસ્ટના રોજ એસીડ પીધું હતું જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, સહવિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને હેતલે આ પગલું ભર્યું છે. કોલેજ જેથી આ ઘટનાએ હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મૃતક હેતલના ભાઈના કહેવા અનુસાર, ઘટના એક દિવસ પહેલા, ૬ ઓગસ્ટે હેતલ કોલેજથી ઘરે આવી, ત્યારે તે નિરાશ હતી. જેથી રાત્રે જમવાના સમયે અમે તેને પુછ્યું કેમ નિરાશ છે, ત્યારે તે કાંઈ બોલી નહી અને અચાનક રડવા લાગી હતી, પછી મારા મમ્મી સાથે તે રુમમાં ગઈને બધી વાત કરી હતી. જ્યાં તેણે કહ્યું હતું કે, કોલેજના છોકરાઓ મને માનસિક રીતે હેરાન કરે છે. હું બસમાં આવું ત્યારે ૧૫ છોકરાઓની ટોળકી બને ખરાબ શબ્દો બોલે છે અને હેરાન કરે છે.’
હેતલના ભાઈએ વધુમાં કહ્યું કે, આ મામલે તેણે ક્લાસના કોર્ડિનેટરને શ્રૃતિ પટેલને પણ બે-ત્રણ વાર વાત કરી હતી, ત્યારે તેમને ‘મેડીકલ કોલેજમાં આવુ ચાલ્યા કરે’ એવો જવાબ આપ્યો હતો અને ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. આ ઉપરાંત મેં પોતે પણ કોલેજના ટ્રસ્ટીને કોલ પર આખી વાત કરી, ત્યારે ‘એવું હોય તો કોલેજ છોડી તો.’એવો જવાબ ટ્રસ્ટીએ આપ્યો હતો. જેથી અંતે કંટાળીને હેતલે એસીડ પીને આત્મહત્યા કરી લીધી છે.’ તેવું તેના ભાઈએ ઉમેર્યું હતું.
હાલ આ મામલે જાદર પોલીસને ફરિયાદ મળતા, હિમાંશુ પરમાર અને હર્ષ વણકર સામે નામજાગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ બંને યુવકો દ્વારા હેતલને ધમકીઓ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે તે આત્મહત્યા જેવું આકરું પગલું ભરવા મજબૂર થઈ હતી. ત્યારે કોલેજમાં આવા લુખ્ખાઓને રેગિંગ માટે સપોર્ટ કરનાર કોલેજ મેનેજમેન્ટ અને અન્ય ૧૩-૧૪ જેટલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી સાથે તેવી પરિવારજનોની માંગ છે.









































