અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદથી શરૂ થયેલો શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો હાલ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, તેવામાં પાટણના સરસ્વતી તાલુકામાંથી પણ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હાલ સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ૧૩ વર્ષની સગીર વિદ્યાર્થિનીને અન્ય સાથી વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન બ્લેડના ચેકા મારી, લાઇટર વડે ડામ દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ભયાનક ટોર્ચરથી ત્રાસીને સગીર વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જાકે હાલ આ તે આઇસીયુમાં દાખલ હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરમારપુરા કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની પર ૧૬ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યે શાળાના રિસેસ વખતે ત્રણ સાથી વિદ્યાર્થીઓએ ભયાનક ટોર્ચર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાના આરોપ મુજબ, બે છોકરાઓએ તેને પકડી રાખી જ્યારે ત્રીજા વિદ્યાર્થીએ તેના હાથમાં બ્લેડથી ચેકા માર્યા અને લાઇટરથી આંગળીઓ પર ડામ આપીને ત્રાસ આપ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થિનીએ સ્કૂલના શિક્ષકોને પણ મદદ માંગી પરંતુ તેઓએ વિદ્યાર્થીનીને ચૂપ રહેવા દબાણ કર્યું છે.
આ ટોર્ચરથી કંટાળી ગયેલી વિદ્યાર્થીનીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તે છેલ્લા ૩૬ કલાકથી દાખલ છે અને તેની હાલત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાએ વાલીઓ અને સમાજમાં તીવ્ર આક્રોશ ફેલાવ્યો છે, સાથે જ શાળાના પ્રિન્સિપાલ સહિત શિક્ષકો પર બેદરકારીના આરોપો લાગ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે ઠાકોર સમાજના આગેવાનોએ કડક કાર્યવાહીની માગ કરી છે.
ઘટનામાં ભોગબનનાર વિદ્યાર્થિનીના પિતા એક ઈઠ આર્મી ઓફિસર છે, તેમણે જણાવ્યું કે, આજથી પાંચ મહિના પહેલાં પણ મારી દીકરીએ આ ટોર્ચર વિશે જાણ કરી હતી. વારંવાર રજૂઆતો છતાં શાળા મેનેજમેન્ટ અને ક્લાસ ટીચરે બેદરકારી દાખવી હતી. ક્લાસ ટીચરે તો પરિવારને બાબત ના કહેવા અને ધમકાવવાનું દબાણ કર્યું હતું. જ્યારે વાલીએ સીસીટીવી ફૂટેજ જાવાની માંગ કરી ત્યારે પ્રિન્સિપાલે કહ્યું કે, પાસવર્ડની જાણકારી નથી. આ ઉપરાંત, આ ગુનાને દબાવવાની કોશિશ કરનારા સામે પણ કાર્યવાહીની માંગ કરી છે.ઘટના બાદ પીડિતના પરિવારજનો સહિત સમાજના આગેવાનો પણ પાટણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ મામલે શાળા સંચાલક સ્ટાફની બેજવાબદારી અને તેમની સંડોવણી સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો કરી રહ્યા છે. ઘટના પર ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું, “વિદ્યાર્થીનીને સદારામ સેવા સમિતિ દ્વારા દત્તક લીધી છે અને તેને ન્યાય અપાવીશું.” તેમણે શાળાના તમામ સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જેઓની સંડોવણી સામે આવે. વધુમાં નવઘણજીએ આક્રોશ ઠાલવતા કહ્યું છે કે, “આ ગુંડાઓની નગરી છે. આ મામલે સરકાર જા યોગ્ય ન્યાય નહીં આપે તો અમે ક્ષત્રિય છીએ, તલવારો કમરે લઈને ન્યાય અપાવવા નીકળવું પડીશું.” તેમણે વધુ કહ્યું કે, “જા ૨૪ કલાકમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરીશું.