ગીરગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામે સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે બાબતને લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ફરજ પરના ચાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને લઇને ઉના, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ઉના અને ગીરગઢડા સહકારી મંડળીઓના મંત્રીઓએ એકઠા થઇ આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફરજ ઉપર લેવા માટે આવેદન આપ્યું હતું. આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉના ગીરગઢડા બેંકના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે ખરેખર વાજબી નથી. જે ઉના શાખામાં ૧૭૫ થી ૨૦૦ કરોડનું ધિરાણ હોય અને ૫ થી ૬ હજાર ખેડૂતોનું સમયસર ધિરાણ કરવાનું હોય છે. જેના ભાગરૂપે આ અધિકારીઓ પ્રેક્ટિકલ તેમજ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. કોઈ મંત્રીઓ પાસે કે ખેડૂતો પાસે કોઈ પ્રકારની લાલચ રાખી નથી. આ બાબતને ધ્યાનમાં રાખી આવા અધિકારીઓને પુનઃ ફરજ ઉપર લઈ લેવા ઉના ગીરગઢડા તાલુકાના મંત્રીઓએ માંગણી કરી હતી.