રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે. રેશનિંગ દુકાનધારકોની છેલ્લા ૪ દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે ૪ દિવસની લડત બાદ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી હતી.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી રમણ સોલંકી અને વિતરક એસોસિયેશનના આગેવાનો વચ્ચે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે.વેપારીઓએ જણાવ્યું હતું કે, “અમારી માંગણીઓ પર સાનુકુળ પ્રતિભાવ આપવામાં આવ્યો છે, જેના પગલે અમે તાત્કાલિક અસરથી હડતાળ પાછી ખેંચી લીધી છે. હડતાળ સમેટાઈ જતાં રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મોટી રાહત મળી છે, તેમને ફરીથી અનાજ મળવાનું શરૂ થશે.રાજ્ય સરકારે અગાઉ ૨૦માંથી ૧૧ માંગણીઓ સ્વીકારી હતી. ત્યારે આજની બેઠક બાદ મુખ્ય ૫ માંગણીઓ સ્વીકારવામાં આવતા વિતરક એસોસિયેશન હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. રેશનિંગ વિતરકોની માંગણીઓમાં રેગ્યુલર કમિશન ૩ રૂપિયા કરવા, મિનીમમ કમિશન પણ ૩૦ હજાર કરવા અને બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સરકાર સહમત થઈ છે. ગુજરાતની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વિવિધ ૨૦ માગણીઓને લઈ હડતાળ શરૂ કરી હતી. હડતાળના પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ્પ થઈ હતી. ત્યારે આ મામલે સરકાર અને વિતરક એસોસિયેશનના આગેવાનો વચ્ચેની બેઠક બાદ હડતાળનો સુખદ અંત આવ્યો છે.