સાવરકુંડલાના વિજપડી ગામે સસરાની કારજવિધિમાં આવેલા જમાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ભાવનગરના પાલીતાણા તાલુકાના રોહીશાળા ગામના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ.૩૫)એ વિજપડી ગામે રહેતા સાળા સુનીલભાઈ ખોડાભાઈ ચારોલીયા, વિશાલભાઈ ઉર્ફે વિલાસ જગદીશભાઈ ચારોલીયા, ગીરીશભાઈ જગદીશભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના સસરાની કારજવિધિમાં વિજપડી ખાતે ગયા હતા. કારજવિધિ દરમિયાન પોતાના સાળા સુનીલભાઈ ખોડાભાઈ ચારોલીયાએ તેને માટલીએ પાણી પાવાનું કહેતા તેણે પોતાના સમાજમાં વહેવાર બંધ થતો હોવાથી ના પાડી હતી. જેથી સાળાએ ઉશ્કેરાઇને ગાળો આપતાં લોખંડની પાઇપ વડે તેના માથાના ભાગે માર મારી ત્રણ ટાંકાની ઇજા કરી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.








































