(૧)કોલમ જામી ગઈ હોય તો ધ્યાન રાખજો. જામેલી વસ્તુ ઓગળી પણ જતી હોય છે હો. ઓગળી જશે તો પછી ઉભી થઈ જશે? – ડા.વિનોદ જાડા (જામનગર) મને શ્રદ્ધા છે કે વાચકો અને પ્રશ્ન કરનારાઓ કોલમ નબળી નહિ પડવા દે.
(૨)બડભાગીનો વિરુદ્ધ શબ્દ કમભાગી, અભાગી કે દુર્ભાગી ત્રણમાંથી કયો આવશે? યોગેશભાઈ આર જોશી (હાલોલઃ જિ.પંચમહાલ) બડભાગી ભાગી ગયો લાગે છે!
(૩)મે કૂતરો પાળ્યો છે. એના માટે શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
હવે કાર લઇ લો એટલે કૂતરાંને બીજાની કાર પાછળ દોડવું નહિ!
(૪)હું નોકરી કરતી મહિલા છું. ઘરકામ ઝડપથી થઈ શકે એ માટે કોઈ ઉપાય બતાવશો? રમાબેન પટેલ (અમદાવાદ)
સાવરણી પાણીમાં બોળીને સંજવારી કાઢો તો સફાઈ અને પોતું એકસાથે થઈ જાય!
(૫)વિમાનમાં પાયલોટને હુમલો આવે તો શું થાય?
ડાહ્યાભાઈ આદ્રોજા, (લીલિયા મોટા)
આપ કો પાઇલોટ કો ડરાને કે ઝુલ્મ મે ગિરફ્‌તાર કિયા જાતા હૈ!
(૬)બગાસું ખાતા મોમાં પતાસું જ કેમ આવે ગુલાજાંબુ કેમ નહિ? – પાંડોર નિધિ ‘ રાહી ‘ (બાયાડ) અમુક લોકો મફતના ગુલાજાંબુ ખાવા મળે એ માટે આખો દિવસ બગાસાં જ ખાધા કરતા હતા. એટલે પછી ગુલાજાંબુની જગ્યાએ પતાસાથી પતાવવું પડ્‌યું!
(૭)નવરાત્રીના દાંડિયારાસમાં પોલીસની “શી ટીમ”ને હારોહાર રમવા ઉતારી દીધી.એમ ડરી ડરીને તો કેમ રમવું ?
કનુભાઈ પરમાર (દામનગર) લે, તમે તો પત્ની કરતા પણ પોલીસથી વધારે ડરતા લાગો છો!
(૮)સાહેબ..! એવી કઈ ચીજ છે કે જે પાણી પીતાં જ મરી જાય છે..!
ધોરાજીયા ઘનશ્યામ એન. ( સાજણટીંબા)
પણ તમે એને પરાણે પાણી શું કામ પીવડાવો છો? ભલે ને જીવતું.
(૯)આપશ્રીને યુનોનાં પ્રમુખ બનાવવામાં આવે તો સૌ પ્રથમ કયા મુદ્દાને પ્રાધાન્ય આપો?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
બધાને ધાન્ય મળે એ જ પ્રાધાન્ય!
(૧૦)દરેક નરની નારી જાતિ હોય તો ચિત્તાની નારી જાતિ કઈ? – સંજયભાઈ જોશી (બાબરા)
નારી જાતિ વિશે જાણવાની તમારી આ તત્પરતા એક દિવસ તમને જરૂર ચિત્તાની નારી સુધી પહોંચાડી દેશે.
(૧૧)સાબુથી સ્નાન કર્યા પછી શુદ્ધ રૂમાલથી શરીર લૂછીયે છીએ, તો રૂમાલ કેમ મેલો થાય છે? – અશોક જોશી(લીલિયા મોટા)
અંદર ઉતરી ગયેલો મેલ એમ ઝટ જાય નહિ માટે રોજ નાવાનું રાખો.
(૧૨)લોકો મને ભગવાન માને છે. એનો અર્થ શું?
દર્શન પટેલ (વડોદરા)
એનો અર્થ એ કે લોકો તમને માણસ માનતા નથી!
(૧૩)સાહેબ..! પરીક્ષામાં નાપાસ થવાનું મુખ્ય કારણ શું? – ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
૩૫ માર્કે પાસ કરવાનો નિયમ. જો શૂન્ય માર્કે પણ પાસ કરવાનો નિયમ આવી જાય તો નાપાસ થવાનું કારણ જ ન રહે. રાજી થઈ ગયાને?!
(૧૪)સવારે નાસ્તામાં તમે શું ના ખાઈ શકો?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આજે નાસ્તામાં બનાવ્યું ન હોય એ.
(૧૫) નવરાત્રીમાં તમે રાસ ગરબા લીધા નથી તો પણ તમે લહાણી લેવા પહોંચી ગયા હતા ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
આ વખતે જોવાવાળા કરતા રાસ લેવાવાળા વધી ગયા હતા. ગરબી મંડળ પાસે ભંડોળ ઓછું હતું એટલે જોવાવાળા જતા ન રહે એ માટે મને ઈનામ આપ્યું.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..