અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે નવરાત્રીમાં શહેરમાં ભારે ભીડ ન થાય તે હેતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં જણાવાયું છે કે સવારના ૮ થી રાત્રે ૨ સુધી ભારે વાહનો, લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું ગઈકાલથી ૧૨ ઓક્ટોબર સુધી લાગૂ પડશે.
નવરાત્રીમાં સાંજથી મધરાત્રી સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળતો હોય છે, ખેલૈયાઓ સમયસર ગ્રાઉન્ડમાં પહોંચી શકે તે હેતુ શહેર પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રીના સમયે ભારે વાહનો, લક્ઝરી બસો બેરેકટોક વાહન ચલાવતા હોય છે, પરિણામે અકસ્માત સર્જાવાની સમસ્યા રહેતી હોય છે, જેને અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે નવરાત્રી સુધી નવું જાહેરનામું બહાર પાડ્યું છે. એસ.જી. હાઈવે અને શહેરના હદ વિસ્તારમાં ભાર વાહનો જો પ્રતિબંધિત સમયમાં દેખાયા તો ડિટેઈન કરવામાં આવશે.
જાહેરનામા અનુસાર અમદાવાદના બધદા પોલીસ સ્ટેશન અને અધિકારીઓને જાહેરનામાનું પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રીમાં શી ટીમ ગ્રાઉન્ડમાં ગરબા રમશે. નવરાત્રીમાં રોમિયોની રોમિયોગિરી અટકાવવા શી ટીમ મેદાનમાં ઉતરશે. આ શી ટીમ ગ્રાઉન્ડમાં ગરબા રમશે અને સતત પેટ્રોલિંગ કરશે.
નવરાત્રી દરમિયાન દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે જ રહી ગરબા રમશે. જેને કારણે ખૈલેયાઓ કે રોમિયાને આ શી ટીમની જાણ થશે નહી. આમ શી ટીમ રોમિયો અને અસામાજીક તત્વો પર સતત નજર રાખશે.