સલીમા ઈમ્તિયાઝ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની ઈન્ટરનેશનલ પેનલ ઓફ ડેવલપમેન્ટ અમ્પાયર્સમાં સ્થાન મેળવનારી પહેલી પાકિસ્તાની મહિલા બની ગઈ છે.
સલીમાએ કહ્યું- આ માત્ર મારી જીત નથી, પાકિસ્તાનની દરેક મહત્વાકાંક્ષી મહિલા ક્રિકેટર અને અમ્પાયરની જીત છે. હું આશા રાખું છું કે મારી સફળતા અસંખ્ય મહિલાઓને પ્રેરણા આપશે જેઓ રમતગમતમાં પોતાની ઓળખ બનાવવાનું સ્વપ્ન જુએ છે. આ ક્ષણ ક્રિકેટમાં મહિલાઓના વધતા પ્રભાવ અને તે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પીસીબીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સલીમાની પુત્રી કૈનાતે પાકિસ્તાન માટે ૪૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાં ૧૯ વનડે અને ૨૧ ટી ૨૦નો સમાવેશ થાય છે.
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી શરૂ થયેલી ટી-૨૦ શ્રેણીમાં સલીમા પ્રથમ વખત અમ્પાયરિંગ કરતી જોવા મળી. તેની સાથે પીસીબી ઈન્ટરનેશનલ પેનલ ઓફ અમ્પાયર્સના ફૈઝલ આફ્રિદી અને નાસિર હુસૈન ટીવી અમ્પાયર હતાં. હુમૈરા ફરાહ ચોથા અમ્પાયર તરીકે અને પીસીબી ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના મોહમ્મદ જાવેદ મલિક મેચ રેફરી તરીકે શ્રેણીની દેખરેખ કરશે.