કાંટારા,કેજીએફ ચેપ્ટર ૧ અને ૨ પછી, હોમ્બલ ફિલ્મની સાલાર પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૪૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ૨૨ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાભરના દર્શકો અને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. ફિલ્મની કમાણીનો સિલસિલો હજુ પણ ચાલુ છે.
ફિલ્મની જબરદસ્ત સફળતાની ઉજવણી કરવા માટે, પાન ઇન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસ, ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ અને નિર્માતા વિજય કિરગન્દુર સહિત ફિલ્મના સમગ્ર કાસ્ટ અને ક્રૂએ મેંગ્લોર નજીકના શ્રી કટેલ દુર્ગાપરમેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. ફિલ્મની બ્લોકબસ્ટર સફળતા બાદ ટીમે મંદિરમાં પૂજા અર્ચના કરી અને આશીર્વાદ લીધા.
ફિલ્મની સફળતા દેશ ઉપરાંત વિદેશમાં પણ જાવા મળી રહી છે. તેણે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર કુલ ૭૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. મંદિરના દર્શન પછી હોમ્બલે ફિલ્મ્સે આજે બેંગલુરુમાં ફિલ્મની સફળતા માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રભાસ, પ્રશાંત નીલ અને પૃથ્વીરાજ સુકુમારન સહિત સમગ્ર કાસ્ટ અને ક્રૂએ પાર્ટીમાં હાજરી આપી હતી. સલારઃ ભાગ ૧ સીઝફાયર પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ જેવા કલાકારોનો સમાવેશ થાય છે.