સલમાન ખાન તથા સલીમ ખાનને ૫ જૂન, રવિવારના રોજ ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. આ સંદર્ભે બાંદ્રા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વાતની માહિતી મુંબઈ પોલીસે આપી હતી. આજે એટલે કે છ જૂનના રોજ પોલીસ સલમાનના ઘર ગેલેક્સ અપાર્ટમેન્ટ આવી હતી અને વધુ તપાસ કરી હતી. પોલીસે બેન્ડસ્ટેન્ડ આગળના CCTV ફુટેજ પણ ચેક કર્યા છે. આ ઉપરાંત પોલીસે સ્થાનિક લોકો સાથે પણ વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધમકીભર્યો પત્ર બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનાડમાં સલીમ ખાનના ગાર્ડને મળ્યો હતો. સલીમ ખાન આ જગ્યાએ મો‹નગ વાક કરીને બેસતા હોય છે. પત્રમાં સલમાન તથા સલીમ ખાનને ધમકી આપવામાં આવી હતી કે તેમની હાલત પણ સિદ્ધૂ મૂસેવાલા જેવી કરવામાં આવશે. ૨૮ વર્ષીય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો હતો. મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું હતું. આ લોરેન્સે ૨૦૦૮માં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે સુરક્ષા વધારી છે.
સલમાનની સાથે પ્રાઇવેટ સિક્યોરિટી ઉપરાંત મુંબઈ પોલીસ પણ રહેશે. મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે તેમણે સલમાન ખાનની સુરક્ષા વધારી છે. તેના અપાર્ટમેન્ટની આસપાસ હંમેશાં પોલીસ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે કાળિયાર કેસમાં નામ આવ્યા બાદ બિશ્નોઈએ સલમાન ખાનની મારવાનો પ્લાન બનાવ્યો હતો. બિશ્નોઈ સમાજ કાળિયારને પવિત્ર માને છે. કાળિયારના શિકાર બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૨૦૦૮માં લોરેન્સે કહ્યું હતું કે તે જાધપુરમાં સલમાન ખાનને મારી નાખશે. બિશ્નોઈએ એમ પણ કહ્યું હતું કે અત્યારે તેણે કંઈ જ કર્યું નથી, પરંતુ જ્યારે સલમાન ખાનને મારશે ત્યારે બધાને ખબર પડશે. હાલમાં કારણ વગર તેનું નામ લેવામાં આવી રહ્યું છે.