અમરેલી જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા ઘેરઘેર માંદગીના ખાટલા જાવા મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર કોરોના વેક્સિનેશન ઝુંબેશ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી રહ્યું છે તો બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા આ રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. અમરેલી જિલ્લામાં ડેન્ગ્યૂ, ચીકનગુનીયાએ માથુ ઉંચકતા ઘેરઘેર માંદગીના ખાટલા જાવા મળી રહ્યાં છે. જાળીયા સહિતના ગામોમાં ચીકનગુનીયાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હજુ એક ગામમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર કામગીરી કરે તો બીજા ગામમાં ડેન્ગ્યૂ, ચીકનગુનીયાનો રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ લીલીયાના સલડી ગામે ચીકનગુનીયાએ કહેર વર્તાવતા અંદાજે ૧૦૦ કરતા વધારે દર્દીઓ આ રોગચાળાની ઝપટમાં આવી ચુકયા છે. નાના એવા ગામમાં ચીકનગુનીયા રોગચાળાએ માથુ ઉંચકતા અમરેલી અને લીલીયાના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે આંગણીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. આગેવાનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળાને નાબૂદ કરવા માટે જરૂરી દવાનો છંટકાવ અને સાફ સફાઈની તાતી જરૂરીયાત છે ત્યારે સલડી ગામમાં આરોગ્ય તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.