ભારત હવે વૈશ્ચિક સ્તરે પાકિસ્તાનના દુષ્ટ ચહેરાને ઉજાગર કરવા માટે વિવિધ દેશોમાં ૭ બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો મોકલી રહ્યું છે
પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને ‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે એક વિશાળ રાજદ્વારી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત, ૩૩ દેશોની રાજધાનીઓમાં ૭ બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો મોકલવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં, ગુરુવારે, પહેલા બે પ્રતિનિધિમંડળો જાપાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા અને પાકિસ્તાનના દુષ્કૃત્યોની જાણ કરી. ભારતીય પ્રતિનિધિમંડળે પુરાવા સાથે તેના મિત્ર દેશો સમક્ષ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કર્યો.
યુએઈ પહોંચેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શિવસેનાના સાંસદ ડા. શ્રીકાંત શિંદે કરી રહ્યા છે. પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં યુએઈ ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્ય અહેમદ મીર ખૌરીને મળ્યા. બેઠકમાં તેમણે પાકિસ્તાની ધરતી પરથી નીકળતા આતંકવાદ અને ભારતની સ્વ-રક્ષા નીતિ વિશે વિગતવાર માહિતી આપી. “અમે ‘ઓપરેશન સિંદૂર’માં ભારતની નિર્ણાયક સફળતા ગર્વથી શેર કરી અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદી જાખમોને પ્રકાશિત કર્યા,” ડા. શિંદેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ (પહેલા ટ્વીટર) પર કહ્યું. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના મનન કુમાર મિશ્રા, અતુલ ગર્ગ, બાંસુરી સ્વરાજ અને એસ.એસ. અહલુવાલિયા, બીજેડીના સસ્મિત પાત્રા, આઈયુએમએલના ઈ.ટી. મોહમ્મદ બશીર, ભૂતપૂર્વ રાજદ્વારી સુજાન આર. ચિનોય અને યુએઈમાં ભારતીય રાજદૂત સંજય સુધીર. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર” પછી યુએઈ પહેલો દેશ છે જેણે ભારતીય બહુપક્ષીય પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું છે, જે બંને દેશો વચ્ચેના ઊંડા દ્વિપક્ષીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે.”
બીજું એક પ્રતિનિધિમંડળ પણ જાપાન પહોંચ્યું, જ્યાં પાકિસ્તાન દ્વારા રમાતી આતંકવાદની આખી રમત બધાની સામે મૂકવામાં આવી. જાપાન પહોંચેલા આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ત્નડ્ઢેં સાંસદ સંજય કુમાર ઝા કરી રહ્યા છે. તેમની સાથે ભાજપના સાંસદો અપરાજિતા સારંગી, બ્રિજલાલ, પ્રધાન બરુઆ અને હેમાંગ જાશી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, સીપીઆઈ(એમ)ના જાન બ્રિટાસ અને ભૂતપૂર્વ રાજદૂત મોહન કુમાર પણ છે.
ટોક્યો સ્થિત ભારતીય દૂતાવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “માનનીય સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળ જાપાન પહોંચ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સરહદ પાર આતંકવાદ સામે ભારતની કડક કાર્યવાહીને તમામ સંદેશાવ્યવહારમાં પ્રકાશિત કરવામાં આવશે.”
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. જવાબમાં, ભારતે ૬-૭ મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર “ચોક્કસ અને લક્ષ્યાંકિત હુમલાઓ” કર્યા. આ પછી, પાકિસ્તાને ૮ થી ૧૦ મે દરમિયાન ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર બદલો લેવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો. ૧૦ મેના રોજ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે થયેલી વાતચીત બાદ લશ્કરી કાર્યવાહી રોકવા માટે એક કરાર થયો હતો.