અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રેરણાસ્રોત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સરદાર સન્માન યાત્રા”નું સુરતમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રાનો પ્રારંભ ૧૧ સપ્ટેમ્બરે બારડોલીથી થયો હતો, જે ૨૨ સપ્ટેમ્બર સુધી ૧૨ દિવસ ચાલીને પવિત્ર સોમનાથ ધામ સુધી પહોંચશે. આ દરમિયાન ૧૮૦૦ કિ.મી.નું અંતર કાપીને ૩૫૫ ગામોમાં યાત્રા પહોંચશે. ગુરુવારે બપોરે સુરત પહોંચેલી આ યાત્રાનું લોકસમર્પણ બ્લડ બેંક, સુરત ડાયમંડ એસોસિએશન, ખોડલધામ, વરાછા બેંક, સોશિયલ આર્મી, રોટરી-રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટ સહિત અનેક સેવાકીય-સામાજીક સંસ્થાઓ દ્વારા ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી)નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શુક્રવારે સવારે જમનાબા વિદ્યાર્થી ભવન, વાલક પાટિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સરદારધામ અને શ્રી સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત દ્વારા વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. બહેનો દ્વારા કંકુ-તિલક, સભ્યો દ્વારા પુષ્પવર્ષા અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે યાત્રાનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો, યુવા વર્ગ અને દેશપ્રેમી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહિલા વિંગ અને યુવા ટીમ દ્વારા સંયુક્ત રીતે થયું હતું.









































