પોરબંદરમાં ૧૫મીએ, કુતિયાણા વિસ્તારમાં ૧૬મીએ માધવપુરથી પદયાત્રા યોજાશે
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં બે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા અપીલ કરવામાં આવી છે. એકતા, અખંડિતતા અને સ્વદેશીના સંદેશને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાનાર આ પદયાત્રામાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો સહભાગી બનશે. પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા. ૧૫મી નવેમ્બરે સાંજે યોજાશે. બપોરે ૩ઃ૩૦ કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારો એકત્ર થશે. કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટેની પદયાત્રા રવિવાર, તા. ૧૬ નવેમ્બરે સાંજે ૪ઃ૦૦ કલાકે યોજાશે જેમાં મૂળ માધવપુરથી શરૂ થઈને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે. પદયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રામાં સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, ત્નઝ્રૈં પોરબંદર, સંસ્કાર ભારતી, રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઇ લાખાણી (ટિફિન સેવા) સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ આ પદયાત્રાનું વિવિધ સ્થળો પર સ્વાગત કરશે. સમગ્ર પોરબંદર શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો, હોદ્દેદારો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ રાષ્ટ્રની એકતાના આ મહાયજ્ઞમાં જોડાશે.









































