(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૯
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ લાંબા સમયથી ભારત રત્નથી વંચિત હતા. પટેલની જન્મજયંતિ પહેલા ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતાં તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગૃહમંત્રીની દૂરંદેશી અને કુનેહને કારણે જ ૫૫૦ થી વધુ રજવાડાઓ ભારત સંઘમાં ભળી ગયા. તેમના પ્રયાસોને કારણે જ દેશ એક થયો છે. અમિત શાહે કહ્યું કે સરદાર પટેલના કારણે જ લક્ષદ્વીપ ટાપુઓ, જૂનાગઢ, હૈદરાબાદ અને અન્ય તમામ રજવાડાઓ ભારતમાં ભળી ગયા.
દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં સહભાગીઓને સંબોધતા અમિત શાહે કહ્યું, ‘સરદાર પટેલના વારસાને ભૂંસી નાખવાનો અને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ લાંબા સમયથી ભારત રત્નથી પણ વંચિત હતા. જા કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા) ગુજરાતના કેવડિયામાં પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરી હતી. સરદાર પટેલનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલને ૧૯૫૦ માં તેમના મૃત્યુના ૪૧ વર્ષ પછી, ૧૯૯૧ માં, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે દેશની જનતા હવે એક થઈ ગઈ છે. તેમણે ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ બનાવવાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કર્યા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ‘૨૦૪૭ સુધીમાં ભારત તમામ માપદંડોમાં વિશ્વનો અગ્રણી દેશ હશે. રન ફોર યુનિટી સામાન્ય રીતે પટેલની જન્મજયંતિ ૩૧ ઓક્ટોબરે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે દિવાળી તે દિવસે આવતી હોવાથી તેનું આયોજન બે દિવસ વહેલું કરવામાં આવ્યું હતું.
આ સાથે ગૃહમંત્રીએ કહ્યું, ‘આજે ધનતેરસ છે અને અમે આ શુભ અવસર પર દોડનું આયોજન કરી રહ્યા છીએ. રાષ્ટÙની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને તેને મજબૂત કરવા માટેના તેના સમર્પણને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે મોદી સરકાર ૨૦૧૪ થી ૩૧મી ઓક્ટોબરને ‘રાષ્ટય એકતા દિવસ’ તરીકે ઉજવી રહી છે.તમને જણાવી દઈએ કે સરદાર પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન પણ બન્યા હતા. પટેલને ૫૫૦ થી વધુ રજવાડાઓને ભારતીય સંઘમાં વિલીન કરવાનો શ્રેય આપવામાં આવે છે. ભારતના એકીકરણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરીને રાષ્ટય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગયા અઠવાડિયે, અમિત શાહે જાહેરાત કરી હતી કે સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ દેશ માટે તેમના મહાન યોગદાનને માન આપવા માટે ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના બે વર્ષના રાષ્ટવ્યાપી કાર્યક્રમ સાથે ઉજવશે.