દારૂ માટે કુખ્યાત સરદારનગરમાંથી અમદાવાદ એસઓજીની ટીમે આઠ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે એક મહિલા સહિત બે પેડલરને ઝડપી લીધા છે. તેમની પૂછપરછમાં ચાર પેડલર ગયા મહિને જ બેંગકોકથી કરોડો રૂપિયાનો ગાંજા લઈને મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જેમાંથી એક ઝડપાઈ ગયો હતો. બાકીના ત્રણ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ગાંજાની હેરાફેરીના મુખ્ય સૂત્રધારો અમદાવાદનો અરમાન જાષી અને સુરતનો મિલન વઘાસીયા હોવાનું સામે આવી રહ્યું છે. આ બંને સપ્લાયરો સુરત અને અમદાવાદથી યુવાનોને માત્ર હાઇબ્રીડ ગાંજા લેવા માટે બેંગકોક મોકલતા હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ એસઓજીના રાહુલ ત્રિપાઠી તથા બી.સી. સોલંકીને બાતમી મળી હતી કે, સરદારનગરમાં એક કારમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લઈને મહિલા સહિત બે પેડલર ફરી રહ્યા છે. તેમણે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. દેસાઈને પેડલર્સને ઝડપી લેવા ટીમ મોકલી હતી.
પોલીસ કુબેરનગર ચોકી પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ત્યારે જ બાતમીવાળી કાર આવી હતી. પોલીસે કાર અટકાવી કારમાં બેઠેલા એક યુવક તથા મહિલાની પૂછપરછ કરતાં તેમના નામ જિયા પ્રજાપતિ તથા ચેતન પ્રજાપતિ હોવાનું જણાયું હતું. પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા મળી આવ્યો હતો. આઠ કરોડનો હાઇબ્રીડ ગાંજા પોલીસે કબજે લઈને જિયા અને ચેતન પ્રજાપતિની ધરપકડ કરી હતી.
ગાંજા અંગે પૂછપરછ કરતાં જિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે તે થાઇલેન્ડ ગઈ હતી. ત્યારે તેની મુલાકાત મિલન વઘાસીયા સાથે થઈ હતી, જે સુરતનો છે. તેની સાથે મિત્રતા થતાં મિલને અમદાવાદના અરમાન જાષી સાથે મુલાકાત કરાવી હતી.
અરમાન અને મિલને બેંગકોકથી ભારત ગાંજા લાવી આપવા જિયાને ઓફર કરી હતી. જિયાએ ઇનકાર કરતાં આ કામ કરી આપે તેવા યુવાનો શોધી આપવાનું કામ જિયાને સોંપ્યું હતું. જિયાએ તરત જ પોતાના સ્વજન ચેતન પ્રજાપતિ અને તેના ત્રણ મિત્રો ગોપાલ સોલંકી, ઉમેશ સોલંકી અને પ્રશાંત કલાલ તથા ભુવનેશ બુનકરને આ કામ માટે અરમાન અને મિલન સાથે મેળવ્યા હતા. તેઓ જાન્યુઆરીમાં બેંગકોક ગયા હતા. મોટા પ્રમાણમાં ગાંજા લઈને મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારે એરપોર્ટ પર ભુવનેશ બુનકર ઝડપાઈ ગયો હતો, જ્યારે બાકીના ત્રણ નીકળી ગયા હતા.
ત્રણે પેડલર ગાંજા જીયાને આપી ગયા હતા. જિયાએ આ ગાંજા મિલન અને અરમાનને આપવાના બદલે પહેલા ભુવનેશને છોડાવાની શરત મૂકી હતી. જાકે, મિલન તથા અરમાન ભુવનેશને છોડાવાનો રસ ન લેતાં જિયાએ ચેતન સાથે ગાંજા વેચીને તેમાંથી જે રૂપિયા આવે તેમાંથી ભુવનેશને છોડાવાનો પ્લાન ઘડ્યો હતો. તે ગાંજા વેચે તે પહેલા જ ઝડપાઈ ગયા હતા.









































