સરગવાને લેટીન ભાષામાં Mroinga Oleifera અને અંગ્રેજીમાં Hrose Radish Tree તરીકે ઓળખવામાં આવે છે. સરગવાના વૃક્ષો ખૂબ જ મોટા હોય છે. જેની ઉંચાઈ ૧૫ થી ૩૦ ફૂટ સુધીની હોય છે. થડ ૨ થી ૪ ફૂટના ઘેરાવાનું હોય છે. સરગવાની છાલનો રંગ કંઈ ભૂખરો હોય છે. પાન આમલી કે સરસડાના પાનને મળતા લાગે છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગના ફૂલો વાળા ત્રણ જાતના થાય છે. તેના ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૧૦થી ૧૬ ઇંચ સુધીની હોય છે. તેનો રંગ લીલો હોય છે તેની છાલ કઠણ અને શીંગોની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. જેમાં કૂણા બીજો હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર વૈશાખમાં શિંગો આવે છે. સરગવાના વૃક્ષો બાગ-બગીચા, વાડીઓ તેમજ ઠેર-ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. શાક બનાવવા માટે શીંગો ઉપયોગમાં આવે છે. જેમાં લોટ છાંટી સ્વાદિષ્ટ શાક બને છે. સરગવાના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો અને પછી તે ઘટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. સરગવાના બીજમાંથી ૩૫ થી ૪૦ ટકા તેલ મળે છે જે સ્વચ્છ અને પાતળું હોય છે, જે સુગંધી તેલ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. શીંગો કાંટાયુક્ત અને લીસી બે પ્રકારની થાય છે. કાંટાયુક્ત શીંગો શ્રેષ્ઠ છે.
ઔષધીય ઉપયોગ ઃ૧) સરગવાના પાંદડા, તેની છાલ અને શીંગો ભેગા કરી તેને સૂકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી રોજ સવારે અને સાંજે એક-એક ચમચી ચૂર્ણ પાણી સાથે લેવાથી શરીરમાં નબળાઈ, થાક, ચીડીયાપણું દૂર થાય છે. ૨) સરગવાના નિયમિત સેવનથી કેલ્શિયમ અને આયર્નમાં વધારો થાય છે.૩) સરગવાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ૪) સરગવાના પાનનો રસ કાઢીને ગોળ સાથે સેવન કરવાથી માથાના દુઃખાવામાં રાહત થાય છે. ૫) સરગવાનાં પાંદડાનો રસ તેમાં મધ નાખી અંજન કરવાથી મોતિયા ઉપર ફાયદો થાય છે. ૬) સરગવાના મૂળનો કાઢો બનાવી પીવાથી હેડકી દૂર થાય છે.૭) કાનમાં રસી અથવા દુઃખાવામાં સરગવાના ફૂલો સૂકવી તેનું ચૂર્ણ કાનમાં ફુંક મારવાથી કાનનો દુઃખાવો મટે છે ૮) સરગવાની સિંગનો સૂપ હળદર, મરી, ધાણાજીરું નાખી પીવું જેથી મેદ દુર થાય છે. તથા ૧૧ પાંદડાની ચા બનાવી તેમાં અડ્‌ધું લીંબુ નીચોવીને પીવાથી મોટાપો ઓછો થાય છે. ૯) ખોડા ઉપર સરગવાનાં પાંદડાનો રસ માથામાં લગાવવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.૧૦) સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી દુર થાય છે.
તો દરેક ખેડૂત ભાઈઓ તથા બહેનોએ તેના ખેતરે પાંચ સરગવાના ઝાડ અવશ્ય ઊછેરવા જોઈએ તથા પોતાનું તથા પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સાચવવું જોઈએ. સરગવાની ખેતી કરવાથી પણ કમાણી કરી શકાય છે. સરગવાનું મૂલ્યવર્ધનકરી તમામ બેકરી આઈટમ બનાવી શકાય છે. જેવી કે બિસ્કિટ, નાન ખટાઈ, વગેરે. સરગવાની સુખડી, થેપલા, ખાખરા જેવા પૌષ્ટિક ખોરાકમાંથી ખુબ સારા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે. તેનું વેચાણ કરીને પણ આવક મેળવી શકાય છે. સરગવાના સુકા ૧૦૦ ગ્રામ પાન ૧૫૦ રૂપિયાના ભાવથી વેચાય છે. આમ આમાંથી સારી કમાણી પણ થાય છે. સરગવો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, મેદ દુર કરનાર, આરોગ્યવર્ધક, વધતી ઉંમર અટકાવનાર, તમારા શરીરને મલ્ટિવિટામિન પૂરા પાડનાર વૃક્ષ છે.

સરગવામાં રહેલા પોષકતત્વોનું પ્રમાણ (પ્રતિઃ ૧૦૦ ગ્રામ)
કેલરી          ૪૮ કેલરી
પ્રોટીન         ૧.૧૮ ગ્રામ
કેલ્શિયમ      ૫૬ મિ.લિ. ગ્રામ
આયર્ન        ૦.૪૨ મિ.લિ. ગ્રામ
રેસા           ૩.૩ ગ્રામ

મેગ્નેશિયમ   ૨૭ મિ.લિ. ગ્રામ
ફોસ્ફરસ       ૩૧ મિ.લિ. ગ્રામ
પોટેશિયમ    ૨૪૬ મિ.લિ. ગ્રામ
સોડિયમ      ૪૨૦ મિ.લિ. ગ્રામ

વિટામિન સી ૨૪.૯ મિ.લિ. ગ્રામ