સંસદમાં વિરોધ પક્ષોએ કોરોના મહામારીના વ્યવસ્થાપનને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. શિવસેનાએ આરોપ મૂક્યો હતો કે કોરોનાની રસીના ડોઝની ફાળવણી ભાજપશાસિત રાજ્યોમાં વધુ પ્રમાણમાં કરવામાં આવી હતી જ્યારે બિન-ભાજપ શાસિત રાજ્યોની અવગણના કરાઈ હતી. શિવસેનાના નેતા વિનાયક રાઉતે કહ્યું હતું કે વડાપ્રધાન દેશની ૧૩૦ કરોડની વસ્તી પ્રત્યે જવાબદાર છે.
તેઓ મહારાષ્ટ્ર પ્રત્યે અવગણના રાખે અને ગુજરાતની તરફેણ કરે એ યોગ્ય નથી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ફાળવણી કરવામાં આવી હતી કારણ કે ત્યાં ચૂંટણી આવવાની છે. સાથે જ તેમણે એમપણ કહ્યું હતું કે ૧૦૦ કરોડ ડોઝ પૂરા થયાની ઉજવણી વહેલી કરી દેવામાં આવી હતી.
અત્યાર સુધીમાં માત્ર ૩૮ ટકા વસ્તીને જ રસીના બન્ને ડોઝ મળ્યા છે. જા કે ભાજપના નેતાઓએ વિપક્ષના આક્ષેપો નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે રસીની ફાળવણીમાં કોઈ રાજયો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો નથી.
સંસદમાં બોલતા ભાજપના નેતા જગદંબિકા પાલે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે બીજી લહેર વખતે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે આ પાર્ટીના નેતાઓ ઘરમાં પુરાઈ રહ્યા હતા. એ સમયે યોગી આદિત્યનાથ દરેક જિલ્લામાં ફરીને કોરોના દર્દીઓને મળતા હતા.
સંસદમાં વિરોધ પક્ષોએ દેશમાં બૂસ્ટર ડોઝ અંગે નીતિ જાહેર કરવાની સરકાર સમક્ષ માગણી કરી હતી. વિપક્ષે રસીકરણ તથા બુસ્ટર ડોઝ માટેનો રોડમેપ સ્પષ્ટ કરવાની પણ માગણી કરી હતી. સાથે જ તેમણે કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો જાહેર કરવાની માગણી કરી હતી.