છત્તીસગઢ સરકાર નક્સલવાદીઓ માટે મોટું દિલ દેખાડી રહી છે, તે પોતાના વતન પરત જવાનો રસ્તો ગુમાવી ચૂકેલા યુવાનોને રસ્તો બતાવવા માંગે છે. આ કારણસર સરકારે નક્સલવાદને ખતમ કરવા માટે નવી નીતિ બનાવી છે. આમાં સરકારે નક્સલવાદીઓને પોલીસનો ડર નહીં પરંતુ સરકારનું ઉદાર દિલ બતાવીને તેમને ફરીથી મુખ્ય પ્રવાહમાં જાડવાનો પ્રયાસ કર્યો છે. આ નીતિ હેઠળ સરકાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને આર્થિક મદદ કરશે.
ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું કે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા પર દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. તેમજ આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓને આપવામાં આવતો ઈનામ પણ નક્સલવાદીઓને જ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ રકમ નક્સલવાદીઓને પકડનાર સુરક્ષા દળોની ટીમોમાં વહેંચવામાં આવતી હતી.
આ ઉપરાંત, યોગ્ય જીવનનિર્વાહ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેમ કે જમીન, મકાન અથવા રોજગાર સંબંધિત સંસાધનો. આ ઉપરાંત નક્સલવાદીઓને અલગ જગ્યાએ રાખીને કામ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓ તેમનું આગળનું જીવન સારી રીતે જીવી શકશે.
નીતિઓ વિશે વધુ માહિતી આપતા, ડેપ્યુટી સીએમએ હસતાં હસતાં કહ્યું કે આ ફાયદાઓ વિશે સાંભળ્યા પછી, એક વરિષ્ઠ પત્રકારે મને કહ્યું હતું કે આવી સ્થિતિમાં નક્સલવાદી બનવું વધુ સારું છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની તાજેતરની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનતાની વચ્ચે કહ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે. આ પછી, પોલીસે રાજ્યમાં નક્સલવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર અને કાર્યવાહી તેજ કરી. સરકારે દાવો કર્યો હતો કે એક વર્ષમાં સુરક્ષા દળોના ગોળીબારમાં ૨૧૨થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જે છેલ્લા ૫-૫ વર્ષમાં બન્યું ન હતું.