કેન્દ્ર સરકારે ટેકાના ભાવ(એમએસપી) અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમિતિની રચના કરવા માટે સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ના પાંચ લોકોનાં નામ મંગાવ્યા છે. તેમ ખેડૂત નેતા દર્શન પાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો ચાર ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેશે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા સંસદના બંને ગૃહોમાં ત્રણ કૃષિ કાયદાઓ પરત કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ કાયદાઓ પરત લેવા માટે આંદોલન કરી રહ્યાં હતાં.
દર્શન પાલે પત્રકારોને જણાવ્યું છે કે પાકના ટેકાના ભાવ મુદ્દે ચર્ચા કરવા સમિતિની રચના કરવા માટે એસકેએમના પાંચ નેતાઓના નામ મંગાવવામાં આવ્યા છે. ક્યાં પાંચ નામ મોકલવાના છે તે અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. ચોથી ડિસેમ્બરે યોજાનારી ખેડૂત સંગઠનોની બેઠકમાં આ પાંચ નેતાઓના નામ નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)માં ૪૦ કૃષિ સંગઠનો સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી અને એક દિવસ પહેલા સંસદના બેને ગૃહોમાં આ ત્રણેય બિલ પરત લેવાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.