આઝાદી બાદ કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકારની સતત બીજી બહુમત ટર્મ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે થોડા દિવસ પહેલા કેન્દ્રમાં આઠ વર્ષ પુરા કર્યા છે. આશરે બે દાયકાની લૂલી લંગડી કાંખઘોડી લઈને ચાલતી સરકારો બાદ ૨૦૧૪થી નરેન્દ્ર મોદી પ્રેરિત એક સશક્ત કેન્દ્રીય શાસન સ્થપાયું છે. મજબૂત ભારત માટે દિલ્હીનું મજબૂત હોવું જરૂરી છે. માત્ર વોટબેંકના રોટલા ખાઈને હરાયા ઢોરની જેમ પેધી ગયેલ રાજનીતિ અને રાજનેતાઓનો ધીમે ધીમે સુર્યાસ્ત થઇ રહ્યો છે. ઉછીની રાજકીય જમીન પર બાવળની જેમ ઉગી નીકળેલા નેતાઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ મુકાઇ રહ્યો છે. પરંપરાગત મતબેંક જેવો શબ્દ હવે લાંબો સમય ચલણમાં નહિ રહી શકે. જેમ સાંપની જીભ છેડે બે ભાગમાં ચિરાઈ ગયેલી હોય છે એમ જનતા સામે બે મોઢા કે બે જીભ લઈને રાજનીતિ કરવા નહિ જઈ શકાય. જેણે ભૂતકાળમાં પ્રજાલક્ષી રાજનીતિ નથી કરી અને ભવિષ્ય માટે જેનું કોઈ આયોજન નથી, આવનારા સમયમાં એવા નેતાઓ કે પક્ષોના મુળિયા ટકવા મુશ્કેલ બની જવાના છે. સરકારની નીતિઓ અને દાનતમાં પારદર્શકતા હવે જરૂરી છે.

એક ઘરમાં પતિ, પત્ની અને પુખ્ત સંતાનોના મત એક જ ચૂંટણીમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પતિ કોઈ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખીને, પત્ની અને બાળકો બીજા અલગ કારણોસર મત આપે છે, જે પહેલા એક કારણ આધારિત થતું હતું, કે ડેલીએ બેઠેલો કીમામવાળું પાન ચાવતો દુરી તીરી કક્ષાનો આગેવાન કહી દેતો કે ફલાણાને મત આપજો. હવેથી રાજકીય પક્ષો, સત્તાધારી કે વિપક્ષ, સ્થાનિક કે રાષ્ટ્રીય, બંને પર આવા વધારેમાં વધારે દ્રષ્ટિકોણ સ્થાપિત કરવાનું ભારણ વધ્યું છે. એટલે હવે મત ખેંચી જવા માટે જૂની પરંપરાગત રાજનીતિક તરકીબો કામ નહિ લાગે. નવા અને આધુનિક વિકલ્પો આપવા પડશે, જે પ્રજા પસંદ કરતી હોય. મત આપવાના વિકાસલક્ષી અને આધુનિક પરિમાણો ઉમેરતા જશે તેમ તેમ પરંપરાગત અને રૂઢિગત કારણો પાછળ રહેતા જશે જેના કારણે પ્રગતિવાદી લોકશાહીનું દ્રઢીકરણ થતું જશે. થોડા વર્ષો આ પ્રક્રિયા ચાલશે અને મતદારોની પેઢી બદલાઈ જશે પછી વોટબેંકને જૂની ઢબમાં લાવવી મુશ્કેલ બની જશે. સરકારની કામ કરવાની શૈલીને લીધે આજે મત આપવાની માનસિકતા બદલી છે. નાગરિકની મત આપવાની વિવેકબુદ્ધિ માટે નવા આયામો, નવી વિચારવાની દિશા, નવા સંકલ્પો ખુલ્યા છે. આ આઠ વર્ષની કામગીરીના આધારે મોદી સરકાર જુનો રૂઢીવાદી કોંગ્રેસી અને સ્થાનિક પક્ષોનો વોટ પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહી છે. જેના લીધે એક વાત સીધી બની છે કે, જ્યાં જ્યાં કોંગ્રેસના અને વર્ષો જુના સ્થાનિક પક્ષોના મુળિયા હતા ત્યાં ભાજપ પહોચી શકી છે, જે વર્ષો સુધી પક્ષને મજબૂત રાખી શકશે. નાના અને પાયાના કાર્યકરોને પક્ષમાં મળતી તકોને લીધે પક્ષ તરફ નવી પેઢીનું આકર્ષણ વધ્યું છે, જેને લીધે પક્ષ સંગઠનાત્મક દ્રષ્ટીએ ક્યારેય નહોતો તેટલો મજબૂત બન્યો છે.

એક વખત સરકારનો સીધો અને સતત મળતો લાભ મતદાર પાસે પહોચી જાય ત્યારબાદ તેનો મત પક્ષગત નહી રહેતા યોજનાગત બની જતો હોય છે. લાભાર્થી આપનાર સરકાર સાથે યોજનાને ઓળખે છે. મોદી સરકારે આ આઠ વર્ષમાં અનેક યોજના દ્વારા વંચિતોના દ્વાર ખટખટાવ્યા છે. આજે ભારતમાં પક્ષગત કરતા યોજનાગત મતનો જથ્થો મોટો થઇ રહ્યો છે, અને એ કોઈપણ રાષ્ટ્ર માટે સારી બાબત છે કે મત કામ આધારિત પડે. જનધન, ઉજ્જ્વાલા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય, આવાસ યોજના, મુદ્રા યોજના, કિસાન સમ્માન નિધિ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા મોદી સરકાર લગભગ દેશની અર્ધી વસ્તી સુધી સીધી પહોચી ચુકી છે. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા બુનિયાદી સ્તરથી ઉદ્યોગોનું સશક્તિકરણ કરવામાં પણ ખાસ્સી સફળતા મળી છે. જે વસ્તુઓની માંગ લગભગ બહારથી પૂરી કરવી પડતી હતી એ વસ્તુઓ આજે ભારત બહોળા પ્રમાણમાં નિકાસ કરતુ થયું છે. ખરાબ વ્યવસ્થા જો મત ઓછા કરે તો સારી વ્યવસ્તા મત વધારી શકે છે એ નિર્વિવાદ છે. સરકારનું એ કામ છે કે પ્રજામાં પડેલી પ્રતિભા સહયોગ આપીને, ઉત્સાહ વધારીને દેશહિતમાં બહાર લાવે. બીજી તરફ કોરોના કાલ જેવા કપરા સમયમાં પણ અર્થવ્યવસ્થા ટકી રહે અને સરકારની આવક સ્થિર રહે તેવા પગલા લેવામાં સફળ રહી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનો આર્થિક વૃદ્ધિ દર ખુબ સારો રહ્યો છે. સરકારે દેશની આર્થિક અને આંતરિક સુરક્ષા ચોકસ કરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આખું વિશ્વ આજે ભારતની કોરોના સામેની લડાઈના વખાણ કરી રહ્યું છે. ભારતે આજ સુધીમાં દેશના નાગરિકોને ઘરઆંગણે ઉત્પાદન કરેલા વેકસીનના એકસો બાણું કરોડ ડોઝ મફત આપ્યા છે અને વીસ કરોડ ડોઝ વિશ્વના અન્ય જરૂરિયાતમંદ દેશોને આપ્યા છે. વિશ્વની ટોચની આર્થિક મહાસત્તાઓના વડાઓ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતના આ લડાઈના અને વિશ્વના અન્ય દેશો પ્રત્યે ભારતના માનવતાવાદી વલણને વધાવી રહ્યા છે. વિશ્વનો નાનો મોટો કોઈપણ દેશ આજે ભારતની મિત્રતા ઈચ્છે છે. અલગ અલગ દેશોના સંગઠનોમાં આજે ભારતનું વજન પડે છે. અમેરિકા જેવો શક્તિશાળી દેશ અને તેની નેતાગીરી આજે ભારતની કાયમી દોસ્તી ઈચ્છે છે, અને એ જાહેર મંચ પરથી બોલે છે.

સરકારે આ આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન નામની યોજનાની જાહેરાત કરીને કરી છે. આ યોજના કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકો માટેની યોજના છે. આ યોજનામાં બાળકોને દર મહીને ચાર હજાર જેટલી સ્કોલરશીપ, ૧૮ થી ૨૩ વર્ષની વય દરમિયાન સ્ટાઇપેન્ડ, ૨૩ વર્ષ પૂર્ણ થયે એકસામટા દસ લાખ, બિમારીના મફત ઈલાજ માટે પાંચ લાખ સુધીનું આયુષ્માન હેલ્થકાર્ડ, સારા શિક્ષણ માટે ઘરની નજીકની શાળા કોલેજોમાં એડમીશન જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ આત્યંત સંવેદનશીલ નિર્ણય અને આયોજન છે. હજારો અનાથ બાળકોની સંભાળ સરકારે લીધી છે. લાખો કરોડોની લાગતથી બનતી કોઈ માળખાકીય સુવિધાલક્ષી યોજના કરતા આ યોજના અગત્યની છે. કરોડો ખર્ચીને બનાવેલ સારો રસ્તો કે પૂલ સમય અને ઇંધણ બચાવશે, પણ આવી યોજના હજારો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરશે. કોઈ સરકારના કાર્યકાળની ઉજવણી આથી વધુ સારી ન હોઈ શકે. બીજા દેશમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો કઠોર નિર્ણય કરતી સરકારનો આ કોમળ અને ઋજુ નિર્ણય દરેક ભારતીય વધાવવો રહ્યો.

  ક્વિક નોટ – ૨૧મી સદીમાં વિશ્વમાં ૬ મુખ્ય સત્તાકેન્દ્રો હશે – અમેરિકા, યુરોપ, ચીન, જાપાન, રશિયા અને ઇન્ડિયા — ‘હેનરી કિસિંજર’ પોતાના ‘ડિપ્લોમસી’ પુસ્તકમાં.