અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં સરકારના પાક વીમા સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત નેતાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારના પાક વીમામાં મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સરકારે નક્કી કરેલા ધારા ધોરણ મુજબ વીમો આપ્યો નથી અને પાક વીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા જતા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં માહિતીઓ માંગવા છતાં ન મળી હોવાનો આક્ષેપ અને વીમામાં કૌભાંડ થયાનો આરોપ ઉપરાંત સરકાર સામે ચેલેન્જ આપી હતી કાગળ પરના પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલીયાએ કહ્યું ૧૬ અને ૧૭માં પ્રધાન પાક વીમા યોજના ચાલુ થઈ ત્યારબાદ દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા તાલુકામાં અમરેલીના તાલુકાઓનો પણ સમાવેશ થયો હતો. ગુજરાતના વિવિધ જિલ્લામાં પાક નુકસાનની અરજીઓ કરવામાં આવી હતી. ખેડૂતોને જે વીમાઓ મળવા જોઈએ તે ન મળ્યા. સરકારે સહાયની જાહેરાત પણ કરી હતી જેમાં અમે સતત લડત કરતા આવ્યા છીએ. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે કહ્યું અંબરીષભાઈની છેલ્લા એકાદ વર્ષથી વાતું ચાલતી આવી છે. સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે તેનો રૂમાલ મુકેલો છે આજે પણ એ જ વાત છે. કોંગ્રેસ પક્ષે પ્રજાને પડતી મુશ્કેલી અને સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે. અંબરીષભાઈ પણ આંદોલન કરી ચુક્યા છે. રેલવેના આંદોલન વખતે અમે પણ ગયા હતા. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ કાર્યકરને નેતા બનાવવાનું કામ કરે છે પણ ભાજપ કોઈને નેતા નથી બનાવતી. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જાડાયા હતા.