માનહાનિના કેસમાં બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પહેલાં એનસીપી નેતા નવાબ મલિકે વધુ એક બોમ્બ ફોડયા છે. તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે લગાવવામાં આવેલા આરોપોને વધુ મજબૂતાઈથી સાબિત કરવા માટે ટિવટર હેન્ડલ પર વાનખેડેના નિકાહની તસવીર શેર કરી છે. નવાબ માલિકનો દાવો છે કે આ તસવીર એનસીબી અધિકારી વાનખેડેની છે. ખરેખરમાં થોડા દિવસો પહેલાં મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે સમીર વાનખેડે જન્મથી જ મુસ્લિમ છે, તેનું પૂરું નામ સમીર દાઉદ વાનખેડે છે, પરંતુ તેણે તેમના ધર્મને છુપાવીને અનામતનો લાભ લેતાં ખોટી રીતે નોકરી મેળવી હતી.
નવાબ માલિક તરફથી કરવામાં આવેલી તસવીરમાં ટોપી પહેરીને બેસેલો શખસ (નવાબ માલિક મુજબ, સમીર વાનખેડે) કોઈ ડાક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરતાં નજરે પડી રહ્યો છે. એ નિકાહનામું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
નવાબ મલિક બાદ તેમની પુત્રી નિલોફર મલિક ખાને પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એક દિવસ પહેલાં તેણે સમીર વાનખેડેના લગ્નનું કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર શેર કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે આ બંને દસ્તાવેજો સમીર વાનખેડે સાથે સંબંધિત છે. વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર દ્વારા નવાબ મલિક પર કરવામાં આવેલા પ્રહારો બાદ તેણે આ ખુલાસો કર્યો હતો.
નવાબ મલિક વિરુદ્ધ બદનક્ષીનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં પે ન્ડિંગ છે. આ મામલે બેથી ત્રણ વખત સુનાવણી થઈ ચૂકી છે. ખરેખર, નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે સામેના આરોપો બાદ વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે તેમણે પહેલા પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જ્યારે હું જન્મજોત જ હિન્દુ છું અને દલિત પરિવારમાં જન્મ થયો હતો, ત્યારે મારો પુત્ર મુસ્લિમ કેવી રીતે હોય શકે.