પારિજાત ભરેલી રાત છીએ,
સવારે તે નિશ્ચિત છે ખરવાનું.
સમષ્ટિમાં નહિં પહોંચી વળાય,આપણાથી થાય એટલું કરવાનું.
એક ઈશ્વર-એક નિયંતા,
શાને બીજાથી ડરવાનું.
ખાલી થવાની મજા છે અલગારી,
ઝાઝુ ઝાઝુ કાંઈ નહિ ભરવાનું,
ભીતર સ્થિર રહીને મહાલીએ,
બહાર-બીજાને નહિ નડવાનું,
આપણે…થાય એટલું કરવાનું.
મોજમાં રહેવાનું-જામથી જીવવાનું,
સાચુ મોત આવે ને ત્યારે જ મરવાનું.
રોજ રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને,
જીવન અમૃત બને એમ ઠરવાનું.
આપણે થાય એટલું કરવાનું!

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે હોય છે, શબ્દોને કોઈ અડી શકતુ નથી પણ શબ્દો હદયને જરૂર સ્પર્શી જાય છે. આ દુનિયાની સૌથી સુંદર ફિલીંગ જા કંઈ હોય તો એ છે કે કોઈના શબ્દોમાં તમારી છબી હોય! આવા જ શબ્દો સાથેની આ પંક્તિઓ વાંચતા એમા આપણને આપણા જીવનની છબી દેખાય છે. આપણા શસ્ત્રોનો સાર પણ એ જ છે કે આપણું આ જીવન શ્વાસો-શ્વાસના ગણતરીના વર્ષોવાળું સિમિત છે. દેહ ક્ષણભંગુર છે. નામ છે તેનો નાશ છે. આયુષ્યનો કોઈ ઉપાય નથી. મૃત્યુ દરેકનું નક્કી છે, પરંતુ કયારે છે એ કોઈને ખબર નથી. હા, જીવનનું મહત્તમ આયુષ્ય સો વર્ષનું છે એ સૌ જાણે છે પરંતુ આપણું લઘુત્તમ આયુષ્ય કેટલું છે તે આ જગતનું સૌથી મોટુ રહસ્ય છે. એટલે કે પારિજાતના પુષ્પો સમુ આપણું જીવન છે. સવારે પુષ્પનું ખરવાનું નક્કી છે, આખી સમષ્ટિ માટે અર્થાત બધા માટે આપણે બધુ કરી શકવા શક્તિમાન નથી. માટે આપણે આપણી મર્યાદા સ્વીકાર કરીને આપણાથી થાય તે કાર્ય કરવાની સોનેરી સલાહ અહી કવિએ આપેલી છે. વળી દરેક મનુષ્યના મનમાં નાના-મોટા અનેક જાતના ભય સતાવતા હોય છે. એમના મોટાભાગના ભય કાલ્પનિક હોય છે, આવ ભયને મનમાંથી ભગાડીને એક ઈશ્વરનો ડર રાખીને કાર્ય કરવાની વાત અહી.
પ્રસ્તુત કરેલી છે. સાથે સાથે આજે માણસ દિવસ-રાત દોડ-ધામ કરીને, સાચુ-ખોટુ કરીને ભેગુ કરવાની લાલચમાં જીંદગીની જીવવા જેવી પળોને એમા ખર્ચી નાખે છે. માટે અહી ઝાઝુ-ઝાઝુ નહી ભરવાનું, ભીતરથી સ્થિર રહેવાનું અને બહારથી બીજાને નહિ નડવાનું એવી સુંદર વાત કરી છે. મોજમાં રહેવું, નિજાનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું અને જામથી જિંદગી જીવવાની પણ શરત એટલી કે હરીફાઈમાં રોજ-રોજ મરવા કરતા છેલ્લા શ્વાસ સુધી સ્વમાન, સમર્પણ, સ્નેહ, સોમ્યતાથી જીવવાનું અને સાચુ મૃત્યુ આવે ત્યારે મોજથી મરવાનું! અમૃત બની આપણા અને બીજાના જીવનને ઠારવાનું! આપણે થાય એટલુ કરવાનું!