ઉત્તરપ્રદેશનાં રામપુરના સપા ધારાસભ્ય આઝમ ખાનને લગભગ ૨૭ મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આઝમ ખાને જેલમાંથી બહાર નીકળતા મીડિયા સાથે વાતચીત કરી ન હતી. તેઓ કારની આગળની સીટ પર બેસીને નીકળી ગયા હતા. આઝમ ખાનના બે પુત્રો તે દરમિયાન તેમની સાથે હાજર રહ્યા હતા.
પ્રસપાના વડા શિવપાલ યાદવ આઝમ ખાનને લેવા સીતાપુર જેલની બહાર પહોંચ્યા હતા. જેલમાંથી બહાર આવતા આઝમ ખાને થોડો સમય શિવપાલ યાદવ સાથે વાત કરી હતી. ત્યારબાદ શિવપાલ પોતાની કારમાં લખનઉ જવા રવાના થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતી વખતે શિવપાલ યાદવે કહ્યું કે- આઝમ ખાન અમારા સાથી છે. તેમની સાથે આગળ પણ મુલાકાત થશે. શિવપાલ સિંહ યાદવ પણ આઝમ ખાનને લેવા સીતાપુર જેલની બહાર પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આઝમ અમારા સાથી છે.
આઝમની પત્ની તન્ઝીન ફાતિમાએ અખિલેશ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે “હું (અખિલેશ યાદવ) વિશે કંઈ કહેવા માંગતી નથી. કોર્ટે અમને રાહત આપી છે, હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે મુશ્કેલ સમયમાં અમને સાથ આપ્યો છે.”
સીતાપુર જેલમાંથી બહાર આવ્યા બાદ આઝમ ખાન પૂર્વ ધારાસભ્ય અનૂપ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આઝમ ખાન સમર્થકોને મળ્યા હતા અને નાસ્તો કર્યો હતો. સમર્થકોને ગળે લગાવતા આઝમ ખાન પણ ભાવુક દેખાયા હતા. અહીંથી આઝમ ખાન રામપુર જવા માટે રવાના થઈ ગયા હતા. આઝમ ખાને અનૂપ ગુપ્તાના ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત વિશે જોણ્યું. આઝમ અહીં તેમના સમર્થકોને પણ મળ્યા હતા.
આઝમ ખાનના વકીલ ઝુબેર અહેમદે જણાવ્યું કે દુશ્મન સંપત્તિ અને ત્રણ શાળાઓની નકલી માન્યતાના મામલામાં તેમની મુક્તિનાં બે અંતિમ પરમીટ ગુરૂવારે રાત્રે સીતાપુર જેલમાં પહોંચી હતી. આઝમ ખાનને ટ્રાયલ કોર્ટમાંથી અત્યાર સુધીમાં ૮૮ કેસમાં જોમીન મળ્યા છે, પરંતુ ૮૯માં કેસમાં જોમીન માટે ટ્રાયલ શરૂ થવાની હતી. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને કલમ-૧૪૨નો ઉપયોગ કરીને વચગાળાના જોમીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું છે કે, “હવે તે બહાર આવી શકે છે. જો કે તેમને ફરીથી નિયમિત જોમીન માટે અરજી કરવી પડશે.” કોર્ટે આ માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
૧૭ મેના રોજ સુપ્રીમ કોર્ટે રામપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન સંબંધિત એક કેસમાં આઝમ ખાનની વચગાળાની જોમીન અરજી પર સુનાવણી કરતા ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારે આઝમ ખાનની જોમીન અરજીનો વિરોધ કર્યો હતો અને તેને જમીન માફિયા અને રીઢો ગુનેગાર જણાવ્યા હતા. આઝમ
ખાને જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી ન હતી. તેણે બંને હાથ મિલાવીને લોકોને અભિવાદન કર્યું.
અખિલેશ યાદવે ટ્‌વીટ કર્યું કે એસપીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય માનનીય શ્રી આઝમ ખાન જીને જોમીન પર મુક્ત કરવામાં આવતા તેઓનું હાર્દિક સ્વાગત છે. જોમીનના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટે ન્યાયના નવા માપદંડો આપ્યા છે. તેઓ અન્ય તમામ ખોટા કેસોમાં નિર્દોષ છૂટશે. અસત્યની ક્ષણો હોય છે, સદીઓ નહીં!
કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આઝમની મુક્તિ માટે લોબિંગ કર્યું હતું. સિબ્બલે એવો આક્ષેપ કર્યો હતો યુપી સરકાર પોતાના અસીલને રાજકીય નફરતનો શિકાર બનાવી રહી છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આઝમ ખાન બે વર્ષથી જેલમાં છે હવે તેમને જોમીન આપવા જોઈએ.