વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થા વિભાગ દ્વારા દેશભરમાં સામાજિક એકતાનો સંદેશ ફેલાવવા માટે સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા સંયોજક પ્રકાશભાઈ શુક્લના જણાવ્યા અનુસાર, આ યાત્રા આગામી તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ચાર કલાકે અમરેલીના સાવરકુંડલા બાયપાસ ખાતે આવી પહોંચશે. અમરેલી જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન અને મનુભાઈ અસલાલીયાના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા અને નગર ટીમ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યાત્રાના રૂટની વિગતો આપતા પંકજભાઈ કાનાણીએ જણાવ્યું કે સૌપ્રથમ ગીગેવ ગૌશાળા ખાતે ગૌપૂજન કરવામાં આવશે અને ત્યારબાદ રામદેવપીર મંદિરે આરતી કર્યા પછી યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે સરદાર ચોક, હીરામણી ચોક, ભીડભંજન ચોક અને રાજકમલ ચોક થઈને બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પહોંચશે. આ પ્રસંગે રાષ્ટ્રીય સમરસતા પ્રમુખ દેવજીભાઈ રાવત, પ્રદેશ અગ્રણી રસેશભાઈ રાવળ,હંસાબેન મકાણી, મહેશભાઈ કણજારીયા અને અશ્વિનભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બોટાદથી શરૂ થયેલી આ વિભાગીય યાત્રાનું અમરેલીમાં સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવભીનું સમાપન થશે.