હેડા હેડા માનવીયું ને હેડી હેડી વાતડીયું! સમય સતત ગતિશીલ છે, સતત વહેતો રહે છે. વીતેલી ક્ષણોને પકડી શકાતી નથી પરંતુ મીઠી યાદો સ્વરૂપે ચિત્તમાં સંગ્રહી શકાય છે. કુટુંબ, પરિવાર, સગા સ્નેહી અને ભાઈબંધ દોસ્તારો સાથે વિતાવેલી સુખદ પળોની યાદોને વાગોળવાની પણ લિજ્જત હોય છે. એમાંય વર્ષો પહેલા સાથે રહેલા કે રમેલા બાળપણના ગોઠિયા સમયના પ્રવાહમાં દૂર દૂર સુધી તણાય ગયા પછી વર્ષો બાદ વિખૂટા પડેલા ગોઠિયા અચાનક ક્યાંક સમયના સંજોગે મળી જાય ત્યારે વ્યસ્ત પળોમાં પણ ઘડી બે ઘડી વીતેલા વર્ષોના સુખદ સંભારણા વાગોળતા પાનખર પછીની વસંતમાં વૃક્ષોમાં નવી કૂંપળો ફૂટે અને વૃક્ષનો વૈભવ જેમ પરત ફરે એવા સુખની કૂંપળો મનુષ્યના હૃદયમાં ફૂટે છે અને બન્ને હૈયા આનંદની છોળોમાં હિલોળા લે છે. આવી ઘડી બે ઘડીની ભૂતકાળની ખાટી મીઠી યાદો સાથેની મુલાકાત એટલે વર્ષોથી ડિસ્ચાર્જ થયેલા સ્નેહના સંબંધોને ફરી રિચાર્જ કરી દે છે. આવું અલપઝલપ જેવું મિલન જાણે ગાગરમાં સાગરની જેમ આખું આયખું આનંદ અપાવનાર સાબિત થાય છે. અમુક લોકો એવા હોય છે જે ભલે અંતરથી દૂર હોય છે પણ અંદરથી સાવ નજીક વસવાટ કરતા હોય છે. એને જીવનભર ભૂલી શકાતા નથી અને સમયના તકાજાના કારણે ભલે બહુ લાંબા સમયે મળતા હોય, પરંતુ જ્યારે મળે ત્યારે ખૂબ હેતથી મળતા હોય છે. દિલથી વાર્તાલાપ કરતા હોય છે. આવુ જ કુટુંબ પરિવારના ભા વચ્ચે થતું હોય છે. જ્યારે બાળપણમાં ટાંચા સાધન સગવડ વચ્ચે જે રીતે ખાટી મીઠી ધીંગામસ્તી કરી હોય, એકબીજાની કાળજી રાખી હોય એ સમયની હૃદયસ્થ થયેલી નાની નાની વાતો મોટા થયા પછી સાંસારિક જીવનમાં આવતી મુશ્કેલીઓ વખતે યાદ આવી જાય છે. એ વખતની જવાબદારી વગરની જિંદગીની મોજ-મસ્તી અને હાલના સમયની જવાબદારીઓના બોજ સાથેની જિંદગી વચ્ચેના રહસ્યનો ભેદ સમયના ગર્ભમાં સંગ્રહાયેલ યાદોના એક એક થરને ઉખેડતા હાલની સમસ્યાના ઉકેલ મળતા હોય છે. આ બધી સમયની બલિહારી છે. સમયે સમયે બદલાતા સામાજિક, ધાર્મિક અને આર્થિક રીતરિવાજો અને વ્યવહારો સાથે સતત અનુકૂલન સાધીને જીવતો ઇન્સાન ક્યારેક સમયની ગર્તામાં સરી પડે છે અને વર્તમાનને ભૂલીને ઘડીભર ભૂતકાળમાં જીવવા માંડે છે. સમાધિ જેવી આવી યાદો વાળી સમયની પળો પણ જીવનનો એક અમૂલ્ય હિસ્સો હોય છે. ફરી પાછો વીજળીના ચમકારા જેવો વર્તમાન સમયનો અહેસાસ થતા જબકીને જાગી જાય છે અને અધૂરા અરમાનો પૂરા કરવા ફરી પાછો સમયના પટે ચડીને દોડવા લાગે છે. ફરી પાછો રૂટિન કામોમાં ગૂંથાઈ કે ગૂંચવાઈ જાય છે. સમયની સાંકળ સંધાતી જાય છે, ઉમર અને આયખું વધતું જાય છે. બાળપણ પછી યુવાની અને યુવાની પછી ગઢપણ આવે છે. જીવનની આ સફરમાં માણસનો કાયમી સાથી અને સાક્ષી સમય હોય છે. આ સમયની સફરમાં હમસફર મળે છે, કુટુંબ કબીલા મળે છે અને મિત્રો મળે છે. ફરી પાછા એ જ સમયની સફરમાં ગૂંથેલી માળાના એક પછી એક મણકા તૂટતાં જાય છે, એકબીજાનો સાથ છોડતા જાય છે અને નવા મણકા જોડતા જાય છે. એમ કરતાં કરતાં એક સમય એવો આવે છે કે જૂની માળાનો એકાદ રહ્યો-સહ્યો મણકો પણ જ્યારે ખરી જાય છે અને આખરે આખે-આખી માળા જ નવી બની જાય છે ત્યારે એવું લાગે કે આખો યુગ બદલાય ગયો છે! આવી રીતે વર્ષો પહેલા એક ભાણે જમતા સાવ નજીકના ગણાતા લોકો સમયની રફતાર સાથે દૂર દૂરના બની જાય છે. આપણા સૌના જીવનની આ કોમન કહાની હોય છે અને દરેકના જીવનમાં સારો મોળો સમય આવતો હોય છે. પણ સમયના દરેક પડાવમાં સમય મુજબ સમજણથી જીવી જનાર કોઈનાથી હારીને પણ સમયને જીતી જાય છે. બાકી તો દરેકના સમયનો સાચો સાથી અને સાક્ષી સમય જ છે. સમયને સાચવી લો તો સમય તમને સાચવી લેશે. અસ્તુ.