માણસ બાળક તરીકે જન્મે છે ત્યારે અમુક વર્ષ સુધી નાદાન હોય છે. એટલે કે એને પોતાની વય કક્ષા મુજબની થોડી ઘણી એકદમ સામાન્ય સમજ હોય પરંતુ બીજી કશી લાંબી સમજણ હોતી નથી અને તેની પાસે સમય પુષ્કળ હોય છે. હવે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ ધીમે ધીમે સમજણ વધતી જાય છે પણ એની સામે સમય ઘટતો જાય છે. આ માનવ જીવનનો સામાન્ય નિયમ છે જે બધા લોકોને લાગુ પડે છે. બાળપણ પછી યુવાની શરૂ થાય છે એટલે
સાહસવૃત્તિ વધે છે, અરમાનોના ઉડતા ઘોડા પર મન સવાર થાય છે. ચડતું લોહી અને સશક્ત શરીર યુવા અવસ્થામાં સખત મહેનત કરવા પ્રેરે છે. સપનાઓ પુરા કરવા સમંદર પારની સફર પણ ખેડે છે. અભ્યાસ હોય કે નોકરી માટેની પરીક્ષાની તૈયારી હોય કે ધંધામાં સેટ થવાની મથામણ હોય એ બાબતમાં કારકિર્દીની સમજણ સાથે આગળ વધનાર માટે સતત અને સખત મહેનત કરવામાં સમય ઓછો પડતો હોય છે. એનાથી વિરૂદ્ધ જેને કારકિર્દીની સમજણ ના હોય તેના માટે ફાલતું રખડપટ્ટી અને એશ-આરામ માટે પુષ્કળ સમય હોય છે. આ બધાની વચ્ચે સમયસર જેનામાં સમજણ આવી જાય તે પુરુષાર્થના બળે અને પ્રારબ્ધના સથવારે સફળ થઈને વ્યવસ્થિત ક્યાંક ને ક્યાંક સેટ થઈ જાય છે અને જીવન સફરમાં એની ગાડી પાટે ચડી જાય છે અને કારકિર્દીના ઉંબરે ઉભેલા કિશોરો કે યુવાનો અને એની અતિશય કાળજી રાખતા અને ચિંતામાં વ્યસ્ત વાલીઓમાં પણ પોતાના પાત્રની પાત્રતા, આવડત, ક્ષમતા કે હેસિયતનો સ્વીકાર કરીને એ મુજબના યોગ્ય ક્ષેત્રમાં આગળ વધવાના બદલે દેખાદેખીમાં મોભાદાર ક્ષેત્રમાં આંધળુકીયા કૂદી પડવાની ઘેલછા કે ગેરસમજણ આગળ જતાં નિષ્ફળતાની નીપજ તરફ લઈ જાય છે અને અંતે ગજા બહારનો ગાંડો ખર્ચ કરવા છતાં નાસીપાસ થવાની નોબત આવે છે. આ બધું જાણવા છતાં ક્યાં કોઈને ગળે વાત ઉતરે છે! માની લો કે જેમ તેમ કરીને ગમતી કે અણગમતી કારકિર્દી કે કેરિયર બનાવ્યા પછી પણ વાત અટકતી નથી. પછીનો તબક્કો તો એનાથી અઘરો શરૂ થાય છે. હવે જીવનસાથીની શોધખોળ શરૂ થાય છે. એમાં પણ પાત્ર પસંદગીમાં પોતાની પાત્રતા કે યોગ્યતા મુજબ સમકક્ષ કે સક્ષમ સાથી સાથેના સગપણમાં સમયસર નિર્ણય લેવાની સમજણ આવી જાય તો સમયસર ઘરસંસાર શરૂ થઈ જાય છે. નહિતર યોગ્યતા હોવા છતાં બધા પ્રકારના ચોક્કસ માપદંડને વળગી રહેવાથી સમય નીકળતો જાય છે અને પસંદગીના સ્કોપ ઘટતા જાય છે. હા બધા માટે એવું બનતું નથી પણ મોટાભાગે અત્યારના સમયમાં સંતાનો અને મા-બાપની અશક્ય અપેક્ષાઓ, કાલ્પનિક સરખામણી, દેખાદેખી, ભૌતિકવાદ, અનુકૂલનનો અભાવ, સયુંકત કુટુંબની અને ગ્રામ્ય જીવનની સુગ અને રોકટોક વગરની એકલવાયી શહેરી જીવનની લાઇફ સ્ટાઇલ વગેરે પ્રકારની ગેરસમજણના કારણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની સમજણ આવે નહિ તો પાત્રતા હોવા છતાં હાથે કરીને મોડું થાય છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. અમુક કિસ્સામાં તો એવું બને છે કે માણસાઈના માપદંડ મુજબ સો ટચના સોના જેવી લાયકાત હોવા છતાં, માત્ર મિલકતના મૂલ્યાંકનમાં મૂલવવાની મનોકામનાને કારણે કેટલાય સંસ્કારી યુવક યુવતીઓના સફળ જોડા બની શકતા નથી. આજના સમયનો સમાજ જીવનનો જટિલ પ્રશ્ન એ છે કે બધું બરાબર હોવા છતાં માત્ર ને માત્ર સંતાનો અને વાલીઓની સમયસર યોગ્ય નિર્ણય લેવાની સમજણના અભાવે આવું બધું બને છે એવું તારણ નીકળે છે. આ બધામાંથી પાર થયા પછી વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની સમજણ સમયસર ના આવે તો ‘ચાર દિન કી ચાંદની’ જેવો સંસાર ચાલે છે. જેમ જેમ લગ્નની વર્ષગાંઠ વધતી જાય એની સાથે એકબીજાને સમજવાની સમજણ ના વધે તો સમય જતાં જાતે સમજવાના બદલે સાથીને સમજાવવાની સલાહો વધતી જાય તો દાંપત્ય જીવનની ઉંમર વધે છે પણ આયુષ્ય ઘટતું જાય છે! સાત ફેરા પછી શરૂ થયેલ સુખી દાંપત્ય જીવન એકબીજાની સગવડતાઓ સચવાય ત્યાં સુધી કાલ્પનિક કથાઓ સાંભળીને જનમો-જનમના સાથી બની રહેવાના કોલ આપીને એકબીજાને ખુશ કરવાના આપેલા વચન આગળ વધતા આવતી અગવડતાઓમાં અનુકૂળ થવાની સમજણ ના આવે તો શરૂઆતમાં આપેલા વચન કાળના પેટાળમાં ઘસાઈને ખોટા વાયદા પુરવાર થાય છે. કુટુંબ પરિવારની ખેવના માટેની સમયસર સમજણ ના આવે તો સ્થૂળ સ્વરૂપે રૂડા રૂપાળા સાથે દેખાતા જોડકા પણ અંદરથી અને અંતરથી ચિંતાઓથી ખોખલા બની જતા હોય છે. એકબીજા સાથે કલાકો સુધી વાતો કરે તોય કંટાળો ના આવે એવી સુખદ શરૂઆતનું કોરી પાટી જેવું દાંપત્ય જીવન વર્ષો બાદ એ જ પાટીમાં દોરાયેલ સંસારની અનેક સમસ્યાઓના આડા અવળાં અને ત્રાંસા બાંગા ભરચક લીટાઓ દોરીને, ભૂંસીને એટલા બધા ઘસાઈ જાય છે કે હવે એમાં માત્ર જરૂર પૂરતું અને ખપનું જ લખી શકાય એવી હાલત થાય છે અને પછી લાંબી વાતો તો ઠીક એકબીજાની કામની વાતો પણ કંટાળાજનક લાગવા માંડે છે. છતાં પણ સમજણ વાળા લોકો મન મનાવીને મૌન ધારણ કરીને પોતાના માટે નહિ  પણ પરિવારની કે પારકાની ખુશી માટે સંસાર સાગરમાં જીવન નૌકા હંકાવ્યે રાખતા હોય છે. સંસારની સમસ્યાઓથી કંટાળીને ત્યાગી બનવા કરતાં હર હાલમાં કર્મયોગી બની રહેવાની સમજણ સાથે પરમાર્થમાં વ્યસ્ત રહીને પ્રભુ ભજનમાં મસ્ત રહેવાની સમયસર સમજણ આવી જાય તો આરંભ અને અંતમાં કશો ફર્ક નથી. બધુ સારું અને સાચુ જ છે એ જ સમજણ સાથે “તેન ત્યક્તેન ભુજ્જીથાઃ” તેને ત્યાગભાવથી ભોગવતા રહો. પછી એ સુખ હોય કે દુઃખ આ સંસારમાં બધું સરખું છે. ફરક છે માત્ર સમયસર સમજણનો!