વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગરમી ઓછી થઇ અને વાતાવરણમાં થોડી ઠંડક થઇ છે. વાદળો બંધાયા છે અને વરસાદી માહોલ બની રહ્યો છે. ખૂબ ઝડપથી વરસાદ આવી શકે છે. વરસાદના સમાચાર તો આપણે ખુશી અને રાહત આપે પરંતુ જળાશયોમાં બાકી રહેલો પાણીનો જથ્થો ચિંતાનું કારણ બની શકે છે. જો કે સમયસર વરસાદ રહેશે તો આ વર્ષે પાણીની સમસ્યા સર્જાશે નહિ. કારણકે સરદાર સરોવર ગુજરાતનું પાણિયારું સાબિત થયું છે અને હાલમાં લાઇવ સ્ટોરેજ પ્રમાણે આગામી ૪ મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે.
ચોમાસું નજીક છે ત્યારે વર્તમાન સમયમાં રાજ્યના જળાશયોમાં ૪૫ ટકા જળસંગ્રહ છે. માત્ર ૧૯ ડેમોમાં જ ૫૦ ટકાથી વધારે પાણીનો સંગ્રહ છે. રાજ્યના ૭૨ જળાશયોમાં ૧૦ ટકાથી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં ૫૧ ટકાથી વધારે જળસંગ્રહ છે. હાલની અસ્થિતિએ ડેમમાં લાઇવ સ્ટોરેજ ૧.૧૬ લાખ કરોડ લીટર છે. ગુજરાતની હાલની અંદાજિત વસ્તીને પ્રતિ વ્યÂક્ત પ્રતિ દિન ૧૨૦ લીટરની ગણતરીએ સરદાર સરોવરનું પાણી ૧૩૫ દિવસ આસપાસ ચાલી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૧૫ ટકાથી પણ ઓછું પાણી છે. બનાસકાંઠામાં માત્ર ૪.૭૭ ટકા, અરવલ્લી જિલ્લામાં ૬ ટકા જ્યારે સાબરકાંઠામાં ૪ ટકા જ લાઇવ સ્ટોરેજ છે. સામાન્ય રીતે રાજ્યમાં પાણી છે પરંતુ કેટલાક સ્થળો પર ટેન્કરથી પાણી પહોચાડવું પડે છે. પાણી પુરવઠા બોર્ડના ૨૨ મેના રિપોર્ટ અનુસાર, રાજ્યના ૫ જિલ્લાના ૮૯ ગામોમાં ૫૭ ટેન્કર દ્વારા પાણીના ૧૮૭ ફેરા કરવામાંઆવ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લાના ૮ તાલુકાના ૬૪ ગામોમાં ટેન્કરના ૧૩૨ ફેરા કરવામાં આવ્યા હતા. કચ્છના ૪ તાલુકાના ૧૧ ગામોમાં ટેન્કરના ૨૨ ફેરા કરવામાં આવ્યા હતા.
રાજયમાં કુલ ૪૪.૯૧% પાણીનો જથ્થો રહ્યો છે. જેમાં ઉત્તર ઝોનમાં ૧૫ જળાશયોમાં ૧૩%, મધ્ય ઝોનમાં ૧૭ જળાશયોમાં ૩૯%, દક્ષિણ ઝોનમાં ૧૩ જળાશયોમાં ૫૨%, કચ્છ ઝોનમાં ૨૦ જળાશયોમાં ૧૫%, સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોમાં ૩૦.૦૩%, સરદાર સરોવરમાં ૫૧.૪૦% પાણીનો જથ્થો રહ્યો છે. જો વરસાદ સમયસર રહેશે તો પાણીની અછત નહિ થાય નહિ તો ગુજરાતની જનતાએ આ વર્ષે પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.