(૧)’ ચાહુંગા મૈં તુમ્હે સાંજ સવેરે’ ગીત ગાનારાઓ બપોરે શું કરતાં હશે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર'(ચિત્તલ હાલ કેનેડા)
પસ્તાવો.
(૨)સારા કામે ઘેરથી નીકળતા ગાયને બદલે ગધેડો આડો ઉતરે, આગળ જતાં બિલાડી આડી ઉતરે, આગળ જતાં રસ્તામાં રૂપાળી છોકરી છીંક ખાય તો તમે શું કરો?
ડાહ્યાભાઈ આદ્રોજા (લિલિયા મોટા)
ફોન કરીને તમારી સલાહ માગું.
(૩) રામલીલા અને રાસલીલા વચ્ચે શું તફાવત છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
રામાવતાર અને કૃષ્ણાવતાર જેટલો.
(૪)બિચારા પતિઓને જ કેમ માળિયા સાફ કરવાના?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ઘણા તો બીજાના માળિયામાં ચડે છે એ વાંધો છે!
(૫)મારું વજન નેવું કિલો છે. તાત્કાલિક વજન ઘટાડવાનો કોઇ ઉપાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બીજો અવતાર લઈ લ્યો. નેવું કિલોમાંથી સીધા ત્રણ કિલોના થઈ જશો.
(૬)આધારકાર્ડનો મુખ્ય ઉપયોગ શું?
દર્શન પટેલ (વડોદરા)
કોઈ આપણને રૂપાળા કહેતું હોય તો આપણે જાતે આધારકાર્ડ જોઈને નક્કી કરી શકીએ એ.
(૭)પરીક્ષામાં બેસવાની મજા ક્યારે આવે?
પાંડોર નિધિ ‘ રાહી ‘ (બાયડ)
આપણી બહેનપણીને તૈયારી ન થઈ હોય અને આપણને બધું આવડતું હોય ત્યારે!
(૮)સાહેબ..! સાચો જવાબ આપવામાં તમને ક્યારેય તકલીફ પડેલી..?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
અત્યારે થોડી થોડી પડે છે.
(૯) સરકારી કામ ઘકકા ખાધા વગર પતે તો કેવો અનુભવ થાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
જમ્યા વગર ધરાઈ ગયા હોઈએ એવો.
(૧૦) સમજેલાને કયારે સમજાવવા પડે..?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
એ ભૂલી જાય કે પોતે સમજેલો છે ત્યારે.
(૧૧) મે એવું સાંભળ્યું છે કે તમે દિવાળી પર ફટાકડા ફોડતા ડરો છો?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
હું તમને ચાંદલિયા ફોડતો હોઉં એવો બાળપણનો ફોટો મોકલીશ.
(૧૨) લવિંગિયાને ગુજરાતીમાં શું કહેવાય?
જય દવે (ભાવનગર))
પ્રેમિંગિયા!
(૧૩)વરસના વચલા દિવસે શું કર્યું ?
કનુભાઈ પરમાર (દામનગર)
નવા વરસે કોની ઘેર ઘૂઘરા ઉઘરાવવા જવું એની યાદી અને રૂટ તૈયાર કર્યો.
(૧૪)આ વખતે દિવાળીમાં કેવું વરસ જાશે એ જણાવશો ?
મુસ્તુફા કનોજીયા (રાજુલા)
ટનાટન.
(૧૫)તમે મોદીસાહેબના કાર્યક્રમમાં ગયા હતા?
રામભાઈ પટેલ (સુરત)
ના, હું જાઉં તો પોલીસને સુરક્ષાના કારણોસર દોડાદોડી બમણી થઇ જાય!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..