સમગ્ર દેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. કેટલાય રાજ્યોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. બિહારના પટણામાં ગરમીના લીધે પ્રી-સ્કૂલ, આંગણવાડી સ્કૂલો સવારના સાડા દસ વાગ્થી સાંજના ચાર વાગ્યા સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગે ૭મી મે સુધી દેશના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશોમાં ચાલી રહેલ હીટવેવનો સ્પેલ ૭મી મે સુધી ચાલુ રહેવાની અને પછી ઓછી થવાની ધારણા છે. ઉત્તર પૂર્વ ભારતમાં આગામી બે દિવસ, ૫ અને ૬ મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટે નારંગી ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભીષણ ગરમી અને લૂના લીધે કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. છત્તીસગઢમાં ૧૫ જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઝારખંડમાં હાલ પૂરતી રમતગમત અને બહારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગણા અને કર્ણાટકના આંતરિક હિસ્સામાં હીટવેવ યથાવત રહેશે. આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કોંકણ, કેરળ અને તટીય કર્ણાટકમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. રાયલસીમા અને દક્ષિણ કર્ણાટકના આંતરિક હિસ્સામાં રાત્રિ દરમિયાન પણ તાપમાન ગરમ રહેશે. જ્યારે આંધ્રના દરિયાકિનારા અને તેલંગણામાં તાપમાન ૪૪ ડિગ્રી રહેશે.
૫ મે માટે આઇએમડીએ – મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યાનમ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંતરિક કર્ણાટક માટે હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. વધુમાં, આઇએમડીએ તેલંગાણા, તમિલનાડુ, સૌરાષ્ટ્ર, કચ્છ, પુડુચેરી, કરાઈકલ અને ઉત્તર આંતરિક કર્ણાટકના અલગ-અલગ સ્થળોએ હીટવેવની સ્થિતિ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.