અમરેલીમાં મુખ્યમંત્રીના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગઈકાલે અમરેલીના એક વિસ્તારમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાએ રાત્રિના સમયે આકસ્મિક મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર ગંદકીના ઢગલા જોવા મળતા પ્રમુખે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યું હોવા છતાં સફાઈ કામગીરીમાં આવી ગંભીર બેદરકારી રાખવા બદલ વૈશાલીબેન માંગરોળીયાએ જવાબદાર અધિકારીઓ અને સુપરવાઇઝરોને તાત્કાલિક સ્થળ પર બોલાવીને તેમનો જોરદાર ઉધડો લીધો હતો. તેમણે કર્મચારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા અને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. નગરપાલિકા પ્રમુખના આ અચાનક સરપ્રાઇઝ ચેકિંગથી બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.










































