ગુજરાતમાં ખેતી પદ્ધતિમાં બદલાવ લાવી વિશ્વ સાથે તાલ મિલાવવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજુલાના આગરીયા અને વડલી ગામના ખેડૂતોએ પૂરું પાડ્‌યું છે. અહીંના ખેડૂતોએ તાઈવાનની નવી જાતના તરબૂચનું વાવેતર કરી આધુનિક ખેતી દ્વારા મબલખ નફો મેળવી શકાય તે સાબિત કર્યું છે.વડલી ગામના શૈલેષભાઈ ધાખડા અને આગરીયાના અનિરુધ્ધભાઈ ખુમાણે પટેલ એગ્રોના અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાઈવાનથી ખાસ બિયારણ મંગાવી આ ખેતી શરૂ કરી હતી. આ તરબૂચની વિશેષતા એ છે કે તે માત્ર ૭૫ થી ૯૦ દિવસમાં તૈયાર થઈ જાય છે અને સામાન્ય તરબૂચની સરખામણીએ ખૂબ ઓછું પાણી લે છે.ખેડૂતોએ તાઈવાનની ત્રણ મુખ્ય જાતો વાવી છેઃ. મંત્રઃ ઉપરથી લીલું અને અંદરથી લાલ., વિશાલઃ ઉપરથી પીળું અને અંદરથી લાલ., આરોહીઃ ઉપરથી લીલું અને અંદરથી પીળું.આ તમામ તરબૂચ મધ જેવી મીઠાશ ધરાવે છે અને આકર્ષક રંગોના કારણે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજુલા-જાફરાબાદ રોડ પર લાગેલા સ્ટોલ પર મોડી રાત સુધી ગ્રાહકોની ભીડ જોવા મળે છે. પીળા તરબૂચના ટુકડા તો કેરી જેવા દેખાય છે. રૂ.૩૦ થી રૂ.૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાતા હોવા છતાં તેની લોકપ્રિયતા વધી છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત અનેક ખેડૂતોએ આ વાવેતરની મુલાકાત લીધી હતી. આધુનિક માર્ગદર્શન અને સંશોધનથી ખેતી કરવામાં આવે તો ખેડૂત અને દેશ બંને સધ્ધર થઈ શકે છે તેવો સંદેશ આ પ્રયોગ દ્વારા આપવામાં આવ્યો છે.