– વાક બારસ: આસો વદ બારસનું પર્વ એટલે વાક બારસ. વાક એટલે વાણી પરથી વાક બારસ કહે છે. આસો વદ ૧૨ને ધર્મશાસ્ત્ર ગોવત્સદ્વાદશી પણ કહે છે. આ દિવસે ગાય-વાછરડાનું પૂજન કરાય છે. આ દિવસે મા સરસ્વતીના પૂજનનું અનેરું મહ¥વ છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે મા સરસ્વતીની પૂજા કરાય છે. ધનતેરસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલાં આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
– ધન તેરસ: આસો વદ તેરસનું પર્વ એટલે ધનતેરસ. આ દિવસે ધન અર્થાત્ લક્ષ્મીજીની પૂજાની સાથોસાથ ધન-ધાન્ય
સમૃદ્ધિના દેવ કુબેરની પૂજા પણ કરાય છે. ધર્મશાસ્ત્રમાં આ દિવસે પાણીમાં દીવો તરતો મૂકી, તેનું યમને દાન કરવાની તથા ગાય પૂજન કરવાની ભલામણ કરી છે. આ દિવસે ઘર, દુકાન કે ઓફિસને દીવા, રોશનનીથી શણગારી, ઘર આંગણાંમાં રંગોળીમાં લક્ષ્મીજીના પગલાંની આકૃતિ કરાય છે. આ દિવસે નવા ધનરૂપે સોના-ચાંદીની ખરીદીને શુકનવંતી ગણે છે. આ દિવસે ઘેરઘેર ધનની પૂજા કરાય છે. ધન તેરસના શુભદિને લંકાના રાજા રાવણે પણ કુબેરની સાધના બાદ જ સુવર્ણ લંકા મેળવી હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. આ દિવસે સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી આજનો દિવસ ધન્વંતરિ જયંતીના નામે પણ ઓળખાય છે. આરોગ્ય દેવતા તથા આયુર્વેદ પ્રણેતા ભગવાન ધન્વંતરિનું આ દિવસે પૂજન કરાય છે.
– કાળી ચૌદશ:આસો વદ ચૌદશનું પર્વ એટલે કાળી ચૌદશ. જેને નરક-ચતુર્દશી કે રૂપચૌદશ પણ કહે છે. ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબ આ દિવસે નરકથી બચવા માટે અભ્યંગસ્નાન કરી યમનું તર્પણ અને પિતૃઓ માટે ઉલ્કા એટલે મેરાયાંનું દાન કરાય છે. ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હોવાથી નરક ચતુર્દશી પણ કહે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, ખાસ કરીને તળેલી વાનગી બનાવીને ખવાય છે, આ અંગે એવું માનવું છે કે, જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ વડા અને પૂરી ઘર પાસેના ચાર રસ્તે મૂકી આવી કકળાટ કાઢે છે. હનુમાન મંદિરે દાદાને તેલ ચઢાવી તે તેલના દીવાની મેંશને અલગ કરાય છે, જેને આંખમાં આંજવાથી આંખો સારી રહે છે તેમ ઘરડાનું માનવું છે. ( જોકે, હાલનું તબીબી સંશોધન આવી મેંશને આંખમાં આંજવાનો વિરોધ કરે છે.) તાંત્રિકો આ દિવસે સ્મશાનમાં જઈ માતા, દેવી અને હનુમાનની ઉપાસના, મંત્રસિદ્ધિ અને તાંત્રિક વિધિ કરે છે.
– દિવાળી: આસો વદ અમાસનું પર્વ એટલે દિવાળી. હિંદુઓના મોટા અને લોકપ્રિય તહેવાર દિવાળીના દિવસે સવારે દેવી-દેવતા અને પિતૃઓનું પૂજન અને પાર્વણ શ્રાદ્ધ કરવાનું વિહિત છે. દિવસે ઉપવાસ કરી રાતના આરંભે દીવાની હારમાળાના પ્રકાશમાં લક્ષ્મી પૂજન કરી પાણીમાં દીવાનું દાન કરાય છે. પ્રકાશને કારણે લક્ષ્મીનું આગમન અને અલક્ષ્મીનું ગમન થાય છે. લક્ષ્મીજીનું ગણપતિ, સરસ્વતી, હીસાબી ચોપડા અને કલમ-દવાત સાથે પૂજન કરાય છે, જેને ચોપડા પૂજન કહે છે. દારૂખાનું ફોડી, મિષ્ટાન્ન કરી હર્ષોલ્લાસભેર દિવાળીની ઉજવણી કરાય છે. જૈન ધર્મમાં દિવાળી મહાવીર મોક્ષ-કલ્યાણક દિવસ તરીકે ઉજવાય છે.
– નૂતન વર્ષ: કારતક સુદ પડવાનું પર્વ એટલે બેસતું વર્ષ. આ દિવસથી વિક્રમના નવા સંવતનો આરંભ થાય છે. ધર્મશાસ્ત્ર અનુસાર નૂતન વર્ષના દિવસે અભ્યંગસ્નાન કરી લક્ષ્મીજી, કુબેર, નિધિ, બલિના પૂજનની સાથોસાથ ગોવર્ધન પૂજા કરાય છે. આ દિવસે અનેકવિધ વાનગીઓ બનાવીને ભગવાનને અન્નકૂટ ધરાવાય છે. લોકવ્યવહારના ભાગરુપે લોકો સગાં-વહાલાંના ઘરે જઈ સૌને હળી-મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. આ દિવસને ગોવર્ધન પૂજા અન્નકૂટ પણ કહે છે, જે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઊજવાય છે. – ભાઇ બીજ ઃ કારતક સુદ બીજનું પર્વ એટલે ભાઇ બીજ, જેને યમ દ્વિતીયા પણ કહે છે. યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘેર બોલાવી તેમની પૂજા કરીને જમાડેલા, તેના ઉપલક્ષમાં બહેન પોતાના ભાઈને પોતાને ઘેર બોલાવીને પ્રેમથી જમાડે છે. આ પૌરાણિક પ્રસંગ પરથી આ દિવસનો લોકવ્યવહાર પ્રચલિત થયો છે. ભાઈ-બહેનના મીઠા સંબંધની સુગંધ ફેલાવતા પર્વ નિમિત્તે બહેન ભાઈની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના કરે છે. ધર્મ, ભાષા, જ્ઞાતિ, કોમ કે બંધનથી પર રહી ભાઈ બીજનું પર્વ ઊજવાય છે.
આ દિવસે યમરાજે પોતાની બહેન યમુનાને ઘેર ભોજન કર્યા બાદ તેને બે વરદાન આપ્યાં હતા. એક, દર વર્ષે ભાઇ બીજે દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જશે અને બહેનને ભેટ આપશે. બીજું, ભાઇ બીજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય, બહેનના ઘરે જઇ શકે તેમ ન હોય કે કોઇ કારણસર શક્ય ન બને તો ભાઇ બીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ બહેનના ઘેર ભોજન કર્યાં જેટલું ફળ મળે છે.
– લાભ પાંચમ: કારતક સુદ પાંચમનું પર્વ એટલે લાભ પાંચમ. આ પવિત્ર દિવસે ઘર, ધંધાના સ્થળ અને ઓફિસમાં ઉંબરા પર ‘શુભ’-‘લાભ’ લખી સાથિયો દોરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી૧। લખી સવાઈ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મીજીની સાથે હિસાબી ચોપડાની પૂજા કરાય છે, જ્યારે જૈન ધર્મમાં જ્ઞાન દેવી સરસ્વતીની પૂજા-અર્ચના કરાય છે. આ દિવસે શ્રીસૂક્તના પાઠ કરવાનો મહિમા છે. આ દિવસથી વેપાર-ધંધા-પેઢીની શુભ શરુઆત કરાય છે. લાભ પાંચમ એ કોઈપણ શુભ કાર્ય માટેની ઉત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે. હિન્દુ અને જૈન પરંપરામાં લાભ-પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી-સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની ‘લાભ પાંચમ’ જૈનધર્મમાં ‘જ્ઞાનપંચમી’ બની રહી છે. લાભ પાંચમ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલું પર્વ છે, તેથી તેને ‘શ્રીપંચમી’ કે ‘લાભપંચમી’ પણ કહે છે.
– દીપોત્સવીના આ પર્વે ગુજરાતના સૌ વાચકોને સંજોગ ન્યૂઝ અને જયસ્વી પટેલના નૂતન વર્ષાભિનંદન..!
આપણે
વેદ-ભાષા મૌન થઈને વાંચતા તે આપણે,
જ્ઞાન લાધ્યાના વહેમે રાચતા તે આપણે.
વસ્ત્ર લીધા છે પહેરી સભ્યતાના ને છતાં,
આપણામાં નગ્ન થઈને નાચતા તે આપણે.
વારતા ત્વચા તણી વાંચી અને કેવા પછી,
ટેરવાંની મદદથી સળગાવતા તે આપણે.
હોઠ બીડાય આંખ મળતાં રાખવા એ ગોપિત,
આપ મેળે નજર બોલી શીખતા તે આપણે.
વાદળો વરસે ને વિખરાય ક્રમ કુદરતનો છતાં,
અકળ વાતો ભાગ્ય સાથે રાખતા તે આપણે.
*****
ઉમેશ જોષી
મો.નં.૯૮૭૯૫૬૬૫૯૦