જિંદગીમાં પુનરાવર્તન ટાળવા જેવું છે, પણ એમ કંઈ એ ટાળ્યું ટળતું નથી. દરરોજની સવારની તાજગી અને રાત્રિની શોભા તો નિત્ય નૂતન અને અલગ જ હોય છે. સવારે દૂર પૂર્વમાં ઉડતા પંખીઓ કે દરિયા કિનારે સમી સાંજે ઉડતી કુંજડીની હારનો છંદ પણ અલગ હોય છે. છતાં એ પંખીઓની જિંદગીમાં દાણાપાણી અને ઉડાઉડ સિવાય શું હોય છે ? એમ તો જંતુઓનું આયુષ્ય ઓછું હોય છે. જે જંતુ એક દિવસનું હોય એ એક જ દિવસમાં એનું શૈશવ, યૌવન, પ્રજોત્પત્તિનો અને વૃદ્ધાવસ્થા સમાવિષ્ટ હોય છે. પણ એ સમય એને ઓછો લાગતો નથી. એ એનું એક દિવસીય પૂર્ણ જીવન હોય છે. અને એમાંય પુનરાવર્તન તો ખરું જ. હવે આ એક જ દિવસના આયુષ્યમાં આ વિશાળ વસુંધરા પર એ જંતુ જેટલો સમય પુનરાવર્તિત પ્રવૃત્તિમાં પસાર કરે એટલું આયુષ્ય એનું એળે ગયું ન કહેવાય ?
આજકાલ મહામારીના સમયમાં કેટલાક લોકોની આંખમાં સપનાઓ ઝાંખા થવા લાગ્યા છે. હવે તો દિવસે પણ ભારતીય શહેરોમાં જનસંખ્યા ઘટવા લાગી છે. રોગના ભયને કારણે લોકો ઘરની ચાર દિવાલોને જ દિનચર્યા માને છે. પરંતુ ખરેખર તો આ સમય સપનાઓની ડિઝાઈન બનાવવાનો છે. દુનિયાના તમામ મહાન લોકોએ બધું જ વેરવિખેર થવા છતાં સપનાઓના ગઢમાંથી એક કાંકરી પણ ખરવા દીધી નથી અને એને આધારે જ એમણે પાછા વિરાટ સામ્રાજ્યો ઊભા કર્યા છે. જિંદગીમાં વ્યક્તિગત કસોટીઓ આવે તેમ પ્રજા તરીકે સામૂહિક કસોટી પણ આવે. અત્યારે સહિયારા સંકટ સામે સહિયારી લડત પ્રજા આપે છે.
આપણને આવા સમયમાં શાસ્ત્રોના વચનો કે કવિઓના ઉમંગો કામ લાગે છે. કવિ તાજગીથી મુખરિત હોય છે. પ્રતિકલ્પના અને પ્રતિકલ્પન એનું સ્વતંત્ર અને અ-પૂર્વ ઉડ્ડયન હોય છે. એવું જ મનુષ્યમાત્રનું હોવું જોઈએ. શિશુકાળમાં હોય છે. બાળક આપણને વહાલું લાગે છે અને દરરોજ એ વહાલ વધતું જાય છે એનું એક કારણ એ છે કે દરેક નવા પ્રભાતે બાળક આપણને નવા જ દર્શન અને જો આત્મસાત્ કરો તો નવું જ દર્શન આપે છે. ઉપરનું શીર્ષક કવિ સંજુ વાળાની કાવ્યપંક્તિ છે. કવિ કહે છે – ‘રોજ ઝગડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું, આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું…?’ થોડા શબ્દોમાં જિંદગીની લાંબી મજલને કવિએ ગીતની સાંકડી શેરીમાં અવતારી છે. કવિએ જિંદગીના મહત્ રંગોને સ્પર્શ કર્યો છે ને એનો સ્વીકાર પણ છે. પરંતુ એના પુનરાવર્તનની નિરર્થકતા એમણે તાકી છે. મનુષ્યનો છાનો અલગારી સ્વભાવ પણ એમણે ઝીલ્યો છે. કારણ કે બીજું બધું તો ઠીક છે પણ ફરી ફરી મળવું પણ અલગારીને ગમતું નથી. દળવામાં મળવાના દાણાય નાંખીને એમણે કમાલ કરી છે.
વાત એટલી જ છે કે હજારો રંગોના મેઘધનુનું નામ જિંદગી છે. અને કોઈ ગુલાબી પર અટકી ગયા છે તો કોઈ સોનેરી પર. કોઈએ તો જાંબલી સિવાયનો રંગ જોયો જ નથી ને કોઈ ભવ આખો લીલાશમાં આળોટતા રહે છે. સહુને તેમતેમના કૂવામાંથી બહાર આવવાની આ ટકોર છે. સાદી અને જુની ઉક્તિ છે કે સાધુ તો ચલતા ભલા. એમાં સાધુનો અર્થ સદ્‌જન છે. અને ચાલવાનો અર્થ પણ ભોતિક નથી. જે જિંદગીમાં જે રીતે જ્યાં છીએ ત્યાંથી બે-પાચ ડગલાં આગળ જવાનો અનુરોધ છે. રોકાઈ ગયેલા ન હોય તે સજ્જન છે. કોઈ એક વાત કે વિચારમાં અટવાઈ જાઓ એટલે રોજ ઊઠીને દળવામાં જ તમે હો. ખરેખર તો ઘંટીના એ બે પડ વચ્ચે દાણા સાથે દળનારો પણ દળાઈ જવાનું જોખમ છે અને એટલે જ કવિએ પ્રશ્ન તરતો મૂક્યો છે કે – રોજ ઊઠીને દળવું ?
જિંદગીને એનો સ્વતંત્ર રંગ છે અને દરરોજ નૂતન પ્રભાતે એ સાવ નવી જ રીતે ઊઘડે છે. આ પૃથ્વી પર વિરાટ ડાયનોસોર હતા. અતિ વિકરાળ પશુઓ હતા. મનુષ્યની ઉત્ક્રાંતિ શરૂ થઈ પછી પણ સંઘર્ષ હતો. ચારેબાજુ ઊંચા ઘટાટોપ જંગલો અને ભીષણ રાત્રિઓ માનવજાતે પસાર કરી છે. પૃથ્વી પર પોતાનું એકચક્રી શાસન સ્થાપતા પહેલા હજારો અને લાખો વરસોની લાંબી સફરમાંથી માણસ પસાર થઈને આજના સ્વરૂપ સુધી પહોંચ્યો છે. એ સમયે અજ્ઞાનનો પણ અંધકાર હતો. વિવિધ માનવ જૂથો લડતા પણ હતા. તેમને એકમતે આવતા હજારો વરસો લાગ્યા છે. પણ તોય એ મનુષ્ય કદી થાક્યો નથી. એમની તુલનામાં તો આજના મનુષ્યની સજ્જતા ક્યાંય વધારે છે તો એ થોડો થાકવાનો છે ?
સંસારમાં ક્લેશ તો કાળને પણ ગળી જાય છે. ઝગડવુંનો અર્થ અસંમતિ કે મતાંતર છે. આપણે એક જિંદગીમાં કેટલા બધાની જિંદગીઓ સાથે અસંમત હોઈએ છીએ. કોઈ એક પંખીને બીજા પંખીની જિંદગીમાં શું રસ હોય? આ રીતે પાંખોને છુટ્ટી ન મૂકાય, સહેજ વધુ નાજુક રીતે ઉડાય… એવું ક્યાં કોઈ એક પંખી બીજા પંખીને કહે છે ? એ પણ રોજ ઊઠીને દળવાની વાત બની જાય છે. આ બધાથી બધાને બચાવવા નીકળેલો કવિ અલગારી નહિ તો કોણ હોય ? વાત ઘંટીના બે પડ વચ્ચેથી છટકવાની છે. અને કોઈ એકાદ દાણો જ છટકી જતો હોય એમ છટકી જવા જેવું છે.
નવી આબોહવાની ઝંખના જાગે અને બહુ ઊંચા આકાશે ઉડવાનો તરંગ પાંખોમાં રમતો થાય એ જિંદગીની ખરી તાજગી છે. રોજ ઊઠીને…. જો પુનરાવર્તનના પડમાંથી છટકવું હોય તો ગઈકાલને ખંખેરીને જ ઊભા થવું પડે. ગઇકાલોના તો ટોળાંઓ ઊંચકીને આપણે ફરતા હોઈએ છીએ જાણે કે ઘંટીપડને કંઠાભૂષણ માની ફૂલાતા ન ફરતા હોઈએ…! નવી હવાનો આનંદ તો એની એક લ્હેરખી અડે પછી જ ખબર પડે. જ્યાં સુધી એ બારી ખુલે નહિ ત્યાં સુધી તો રોજ ઊઠીને એની એ જ ચક્રાવર્તિત પ્રદક્ષિણાની રમમાણ ઘેરાતી રહેવાની છે. પુનરાવર્તન, મુક્તાફળના ઉછેર માટે બાધક છે, સાધક નથી.