(એ.આર.એલ),મુંબઈ,તા.૩
સના મકબૂલે શુક્રવાર, ઓગસ્ટ ૨ ના રોજ આયોજિત ‘બિગ બોસ ઓટીટી ૩’ ના ફિનાલેમાં શોની ટ્રોફી કબજે કરી છે. ફિનાલેમાં ટોપ-૫ ફાઇનલિસ્ટમાં રણવીર શૌરી, નેઝી, સાઇ કેતન રાવ, સના મકબૂલ અને કૃતિકા મલિક હતા. બિગ બોસ ઓટીટી ૩ ની ટ્રોફી માટે આ બધા વચ્ચે લડાઈ થઈ હતી. રેપર નેઝી બિગ બોસની ત્રીજી સીઝનમાં રનર અપ હતી.સના મકબૂલે રેપર નેઝીને હરાવીને સીઝન ૩ની ટ્રોફી જીતી છે.
સના મકબૂલ એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તેણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.સના મકબૂલે ૨૦૦૯માં એમટીવી સ્કૂટી તીન દિવામાં ભાગ લીધો હતો. ૨૦૧૦માં તેણે ઈશાનઃ સપનો કો આવાઝ દે શોમાં કામ કર્યું હતું. તેણે ‘કિતની મોહબ્બત ૨’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂન’, ‘અર્જુન’, ‘આદત સે મજબૂર’, ‘વિશ’ જેવા શો કર્યા છે. સના ૨૦૨૧માં ખતરોં કે ખિલાડી ૧૧માં પણ જાવા મળી હતી.૨૦૨૩ માં, અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે હેપેટાઇટિસથી પીડિત છે. આ પછી તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ્‌સ છૂટી ગયા.
બિગ બોસ ઓટીટી ૩ બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરને એક એપિસોડ માટે લગભગ ૨ કરોડ રૂપિયાની ફી મળી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી ૨ને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. કરણ જાહર બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનનો હોસ્ટ હતો.