લીલીયા તાલુકાના સનાળીયા ગામે મોટરસાયકલના હપ્તા ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં એક જ પરિવારના પાંચથી વધુ સભ્યોએ એકસંપ થઈ, ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં કુહાડીના ઘા વાગવાથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવરાજભાઇ ભરતભાઇ ઢીમેચા (ઉ.વ.૧૯)એ સનાળીયા ગામના સાગરભાઇ ભીખાભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખોડાભાઇ મકવાણા, મીલનભાઇ બાલાભાઇ મકવાણા, હરેશભાઇ ખોડાભાઇ મકવાણા, વિશાલભાઇ ખોડાભાઇ મકવાણા તથા અજયભાઇ ભીખાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે અજયભાઇ ભીખાભાઇ મકવાણાના નામે ફાઇનાન્સથી મોટરસાયકલ છોડાવ્યું હતું. તેઓ હપ્તાના પૈસા આરોપીને આપતા હતા, પરંતુ આરોપી હપ્તા ભરતો ન હોવાથી બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. આ બાબતે સનાળીયા ગામની ‘ખોડલ હોટલ’ પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડાની જાણ આરોપીએ તેના ભાઈને કરતા, તેણે આવીને લાફા ઝીંકી દીધા હતા. બાદમાં, તેઓ અને સાહેદ મહેન્દ્રભાઈ આ મામલે સમાધાન કરવા માટે હોટલ પર ગયા ત્યારે આરોપીઓ વધુ ઉગ્ર બન્યા હતા અને ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ગેરકાયદે મંડળી બનાવી કુહાડી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના પી આઈ
એમ ડી સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.








































