સનાતન ધર્મનું અડગ શિખર કે; જ્યાં હજારો-લાખો વર્ષોથી આજ કળયુગમાં પણ ઈશ્વરની અનુભૂતિ થાય છે તેવા ગઢ ગીરનાર વિશે જ્યારે સમગ્ર વિશ્વ જાણે છે. થોડા શબ્દોમાં આપણે ગીરનારની અકાલ્પનિક વિશેષતાઓ ઉપર નજર કરીએ તો જાણ થાય કે સનાતન સંસ્કૃતિ એ કોઈ બનાવેલ સંસ્કૃતિ નથી, સનાતન સંસ્કૃતિ એતો યુગો યુગોથી ચાલતી આવતી સત્ય દર્શનની સંસ્કૃતિ છે.
લાખો તપસ્વીના તપની આ ગીરનાર તળેટી. વૃક્ષોના મધુર ફળ-ફૂલ ઉપર જીવન ગુજારતા અને કુદરતની અકાલ્પનિક દેન એવો મધ-મીઠો કલરવ કરતા પંખીઓ. જીવંત પરંતુ પોતાના સિદ્ધાંતો પ્રત્યે મૃત્યુ સુધી વફાદાર રહી કરોડો જીવોનો આશરો બનતા વૃક્ષો, જ્યાં જાત-જાતના નયનરમ્ય પશુ-પંખીઓ આ તળેટીની સુંદરતામાં શૃંગાર પુરતા હોય, ગગનચુંબી ગીરનારની ટોચ પરથી ઝરણાં જાણે શરીરની ઉર્જાને માફક વહેતા હોય, અને તેના મધુર સંગીતથી સમગ્ર પ્રકૃતિ ઉપર પ્રભાવ પાડતા હોય, ડાલામથ્થો…અગ્નિ વરસાવતો…કેસરી જટાધારી એ સાવજ ગર્જના કરી આ સનાતન ધર્મની સંસ્કૃતિનું રક્ષણ કરતો હોય, પવનના વેગ અને શક્તિશાળી તરંગો સામે અવિરત ઊભેલો આ ગીરનાર વાયુદેવને પણ પોતાનામાં આકર્ષિત કરી સતની અનુભૂતિ કરાવતો હોય, અને સર્વેમાં પ્રાણ પૂરતા સનાતન સંસ્કૃતિના સંતો-મહાત્માઓ ઈશ્વરને ઋણ અદા કરી આ તળેટીને એક સ્વર્ગ બનાવતા હોય, ત્યારે ઈશ્વર પણ આ ગીરનાર ક્ષેત્રમાં દરેકને પોતાની અનુભૂતિ કરાવી પ્રાણ પૂરે છે.
ધર્મનું અડગ શિખર અને પ્રકૃતિ તેમજ ભારતીય
સંસ્કૃતિનો અનમોલ અજોડ નમૂનો..,ગીરનારમાં વિશ્વભરના શ્રદ્ધાળુઓ.., પ્રકૃતિ પ્રેમીઓ.. સંસ્કૃતિ પ્રેમીઓ..,દર્શન માટે પધારે છે. અને આ સંસ્કૃતિની સુંદરતામાં વધારો કરે છે.
ભારતીય સંસ્કૃતિ-પ્રકૃતિ અને સનાતન શિખર ગીરનાર ક્ષેત્ર જ્યારે ભારતનો તાજ બન્યું હોય. ત્યારે આ શિખરના શૃંગારમાં મહત્વની ટેકનોલોજી લાવી એક ટેક્નોલોજીની દુનિયામાં પણ ઉત્તમ ઉદાહરણ આ
રોપ-વે દ્વારા પૂરું પાડી શ્રેષ્ઠતામા વધારો કરે છે. તેમજ ધાર્મિકતાની સાથે ટેકનોલોજીનો સંગમ કરી વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મંદિરે રોપ-વે ની શરૂઆત કરવામાં આવી જેનો આજે આપણને ગર્વ છે.
માત્ર આટલું જ નહીં પરંતુ હંમેશા રચનાત્મક અને હકારાત્મક વિચારધારાનું એક અંનત ઉદગમ સ્થાન એટલે ગીરનાર ક્ષેત્ર કે જ્યાં ક્ષણભરમાં જ તમારા મનને શાંતિની અનુભિૂત થાય એવું પાવન પવિત્ર ક્ષેત્ર આપણી ધરાને ઈશ્વરે પ્રદાન કર્યું હોય ત્યારે આપણા ગર્વમાં વધારો થાય છે.
એક નાનું ઉદાહરણ કે આ પાવન ગીરનાર ક્ષેત્રમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાત અર્થે આવે અને આપણી પ્રાચીન સંસ્કૃતિનું અધ્યયન કરતા હોય એ સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સૌથી શ્રેઠ છે. આ નજરે નિહાળીને આપણું મસ્તક ગર્વથી ઊંચું રહે છે.
હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો આપણો ભારત દેશ. તેમાં પણ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેનું મિલન કરાવતો આપણો ગરવો ગીરનાર અને જેમ દુધમાં કેસર ભળે તેવી જ રીતે આ સંસ્કૃતિ અને પ્રકૃતિમાં સનાતન ધર્મ મળ્યો એ માટે ગીરનારને આજે માત્ર પર્વત જ નહીં પરંતુ.., ધર્મવિજયનું શિખર પણ કહી શકાય. અને આ સંસ્કૃતિ-પ્રકૃતિના સંગમમાં સનાતન ધર્મ અને જેમ અનેક આત્માઓ એક પરમાત્મામાં સમાવિષ્ટ થતી હોય તેમ ટેકનોલોજીનો વિશ્વ વિખ્યાત નમૂના રૂપી રોપ-વે ને આ તળેટીમાં લાવી ગીરનાર ક્ષેત્રને આજે વિશ્વના ખૂણે ખૂણામાં પ્રખ્યાત કર્યું છે અને આવા ભગીરથ કાર્ય કરવાની શક્તિ માત્ર હિંદુસ્તાનના રક્તમાં જ છે જે આવા કાર્ય પૂર્ણ કરી આ ધરાને વિશ્વવિખ્યાત બનાવી હોય તેનો આપણને ગર્વ છે.આવો સૌ સાથે મળીને આ સંસ્કૃતિનું પૂજન કરીયે અને હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ