સતત હીટવેવને કારણે ભારતમાં ૧૨૨ વર્ષમાં એપ્રિલ મહિનો ત્રીજી વખત ગરમ મહિનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં તાપમાન એટલું ઊંચું રહ્યું કે દેશનાં ૧૧ હવામાન મથકોએ તાપમાનનાં તમામ રેકોર્ડ તૂટયા હતા.
માર્ચ મહિનામાં પણ અગાઉનાં વર્ષો કરતા તાપમાન ઘણું ઊંચું રહ્યું હતું અને ગરમી જાવા મળી હતી. એપ્રિલમાં ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને કેટલાક રાજ્યોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ રહ્યું હતું. ગયા મહિને સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૯૪ ડિગ્રીને બદલે સરેરાશ ૩૫.૩૦ ડિગ્રી રહ્યું હતું. ૧૯૦૧ પછી અગાઉ બે વખત એપ્રિલ મહિનામાં વધુમાં વધુ ગરમી નોંધાઈ હતી. ૨૦૧૦માં સરેરાશ માસિક તાપમાન ૩૫.૪૨ ડિગ્રી અને ૨૦૧૬માં ૩૫.૩૨ ડિગ્રી નોંધાયું હતું. એપ્રિલમાં આ વર્ષે લઘુતમ તાપમાન ૨૩.૫૧ ડિગ્રી રહ્યું હતું. જે ૧૯૦૧ પછી ૨૦૧૦ કરતા બીજી વખત ૧.૩૬ ડિગ્રી ઓછું નોધાયું હતું. જરૂર કરતા ઓછા વરસાદને કારણે આ વર્ષે અસહ્ય ગરમી પડી હતી. આમ ગરમીનું ઊંચામાં ઊંચું તાપમાન અને લઘુતમ તાપમાન એમ બંનેનાં નવા રેકોર્ડ બન્યા હતા.
હવામાન ખાતાએ દેશનાં દસથી વધુ રાજ્યોમાં મંગળવાર પછી ગરમી ઘટવાની અને હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. શુક્રવાર સુધી જે રાજ્યોને ગરમીમાં રાહત મળશે તેમાં જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને દક્ષિણનાં તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં તાપમાનનાં ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.