અમરેલી તાલુકાના સર્વાંગી વિકાસ અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નો અને જેટકોના આર્થિક યોગદાનથી હવે અમરેલી તાલુકાના ૬૦ ગામોમાં એકસાથે જળ સંગ્રહના કાર્યો શરૂ થવા જઈ રહ્યા છે. આ ભગીરથ કાર્યનો પ્રારંભ ૧ એપ્રિલ સણોસરા મુકામે એક વિશાળ જળ સંમેલન દ્વારા થશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી જળસંચયનું અભિયાન ચલાવી રહ્યું છે, જેના દ્વારા અત્યાર સુધીમાં હજારો ચેકડેમ ઊંડા, ઊંચા અને નવા કરવામાં આવ્યા છે અને તળાવોના પુનઃજીવિતકરણ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના સફળ પ્રયાસો થયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૬૦ ગામોમાં હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવા અને જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટેના કાર્યોનો એકસાથે પ્રારંભ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુંકાવાવ તાલુકામાં અત્યારે ૪૫ જેટલા હિટાચી મશીનોથી જળસંચય માટેના કાર્યો થઈ રહ્યા છે જેમાં હવે વધુ ૮૫ હિટાચી મશીનોથી નવા જળસંચયના કાર્યોનો પ્રારંભ થશે. ૧ એપ્રિલે સવારે ૯ કલાકે ગામ-સણોસરા, તા.,જિ. અમરેલી ખાતે યોજાનાર આ જળ સંમેલનમાં જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ છે.